Bhavnagar
બાળકોને એવું શિક્ષણ આપો કે તેમની કૌશલ્ય શક્તિ ખીલે : જિલ્લા કલેક્ટર
બાળકોને એવું શિક્ષણ આપો કે તેમની કૌશલ્ય શક્તિ ખીલે : જિલ્લા કલેક્ટર
ભાવનગરના શ્રેષ્ઠ શિક્ષકોની કામગીરીને બિરદાવી- સંવાદ સાધી શિક્ષકોને પ્રોત્સાહિત કરતાં જિલ્લા કલેકટર આર.કે.મહેતા ; બાળકોએ ઉત્તમ શિક્ષણ મેળવ્યું હશે તો તે સારા નાગરિક બનવાની સાથે ઉચ્ચ પદ પ્રાપ્ત કરી અનેક લોકો માટે પ્રેરણારૂપ બનશે
પવાર
ભાવનગર જિલ્લા કલેક્ટર આર.કે.મહેતાએ કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોની કામગીરીને બિરદાવી હતી. તેમજ શ્રેષ્ઠ શિક્ષકો સાથે સંવાદ સાધી શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા.આ વેળાએ કલેક્ટરશ્રીએ શાળામાં કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓ અંગેની માહિતી મેળવી હતી. શિક્ષક દિન નિમિત્તે કલેક્ટર આર.કે.મહેતાએ શ્રેષ્ઠ કામગીરી બદલ શિક્ષકોને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કરતાં કહ્યું કે, સક્ષમ પેઢીના નિર્માણનું કામ શિક્ષકોનું છે.બાળકોને એવું શિક્ષણ આપો કે તેમની કૌશલ્ય શક્તિ ખીલે. શાળામાં બાળકોને આવવાનું મન થાય તેવા સારા વાતાવરણનું નિર્માણ કરવા શિક્ષકોને માર્ગદર્શિત કર્યાં હતાં. કલેક્ટરશ્રીએ ઉમેર્યું કે, ટેક્નોલોજીનો ઉપયોગ કરી સ્માર્ટ કલાસના માધ્યમથી બાળકોને ઉત્તમ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે બાળકો પાસે જ ગણીતના દાખલા ગણાવો જેથી તેમનામાં આત્મવિશ્વાસ વધે અને અન્ય બાળકોને પણ તેમાંથી પ્રેરણા મળે. બાળકોના સર્વાંગી વિકાસ માટે અલગ અલગ પ્રવૃતિઓ કરાવવા પર સવિશેષ ભાર મુક્યો હતો. શાળામાં બાળકે ઉત્તમ શિક્ષણ મેળવ્યું હશે તો તે સારો નાગરિક બનવાની સાથે ઉચ્ચ પદ પ્રાપ્ત કરી અનેક લોકો માટે પ્રેરણારૂપ બનશે. આ અવસરે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી હિતેન્દ્રસિંહ પઢેરીયા, ICT ઓફીસરશ્રી ચિરાગભાઇ વાળા સહિત જિલ્લાના સન્માનિત શ્રેષ્ઠ શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં.