Gujarat
કોંગ્રેસના દિગજ્જ નેતા ગોવાભાઈ રબારી શક્તિ પ્રદર્શન સાથે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો
બરફવાળા
ડીસા માર્કેટ યાર્ડ ખાતે એક જાહેરસભા યોજ્યા બાદ ભાજપમાં જોડાયા : પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પક્ષમાં તેમનું સ્વાગત કર્યું :ગોવાભાઈ રબારી 7 વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાયા હતા, જેના કારણે પક્ષને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. હવે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. કોંગ્રેસમાં 35 વર્ષની લાંબી રાજકીય ઇનિંગ રમનાર દિગ્ગજ નેતા આજે ભાજપમાં જોડાઈ ગયા હતા. તેના કારણે રાજકીય ઉથલપાથલ વધુ તેજ બની ગઈ છે. બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના નેતા ગોવાભાઈ રબારી ડીસા માર્કેટ યાર્ડ ખાતે એક જાહેરસભા યોજ્યા બાદ ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પક્ષમાં તેમનું સ્વાગત કર્યું છે. તેમના સમર્થનમાં કોંગ્રેસના 200 થી વધુ કાર્યકરો અને નેતાઓ પણ ભાજપમાં જોડાયા છે.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાવાને લીધે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.
ગોવાભાઈ રબારી 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. તેઓ અત્યાર સુધીમાં 7 વખત વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે તેમના પુત્ર સંજય રબારીને ટિકિટ આપી હતી. પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં સંજય રબારીનો પરાજય થયો હતો. 2017ની ચૂંટણીમાં ગોવાભાઈ ડીસા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસના ગોવાભાઈ રબારીને ભાજપના શશીકાંત પંડ્યા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે ગોવાભાઈ રબારી ડીસાના કુચાવાડા ગામના રહેવાસી છે. ગોવાભાઈએ કુચાવાડા ગામના સરપંચ તરીકે રાજકારણની શરૂઆત કરી હતી. તે બાદ તેઓ જિલ્લા પંચાયત પ્રમુખ પદ પણ સંભાળી ચુક્યા છે.