Gujarat

દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરતા મેઘરાજા જાણો આજે ક્યાં પડશે વરસાદ

Published

on

ગુજરાતમાં ઘણા લાંબા સમયના વિરામ બાદ રાજ્યમાં ફરીવાર મેઘરાજાની પુન:પધરામણી થઇ છે. ત્યારે હવામાન વિભાગે આજે ફરી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે રાજ્યમાં વલસાડ, દમણ, અમદાવાદ, આણંદ, દાહોદ, ખેડા, પંચમહાલ, અમરેલી, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, નર્મદા, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં વરસાદ થવાની સંભાવના છે.

અત્રે નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 64 તાલુકામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. જેમાં સૌથી વધુ ઉમરગામમાં 6 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આ સિવાય વલસાડમાં પોણા 6 ઈંચ, પારડીમાં 5 ઈંચ, વાપીમાં 4.5 ઈંચ, ચીખલીમાં સવા 4 ઈંચ, કપરાડામાં સવા 4 ઈંચ, ખેરગામમાં પોણા 4 ઈંચ, ધરમપુરમાં 3.5 ઈંચ, તિલકવાડામાં 3.5 ઈંચ, ગણદેવીમાં સવા 3 ઈંચ, સોનગઢમાં પોણા 3 ઈંચ, સિનોરમાં 2.5 ઈંચ, જલાલપોરમાં સવા 2 ઈંચ, ક્વાંટમાં સવા 2 ઈંચ, ડાંગમાં પોણા 2 ઈંચ, નવસારીમાં પોણા 2 ઈંચ અને સુબિરમાં પોણા 2 ઈંચ વરસાદ ખાબક્યો છે.

umargam-received-maximum-6-inches-of-rainfall-yesterday

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે ઉમરગામ તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. છેલ્લા 24 કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. જેના લીધે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. છેલ્લા પાંચેક દિવસથી સતત ઉમરગામ તાલુકામાં મેઘરાજા વરસી રહ્યાં છે. સોમવારથી શરૂ થયેલો વરસાદ વિરામ લેવાનું નામ નથી લઇ રહ્યો. ગુરૂવારથી શુક્રવારે સાંજના 6 વાગ્યા સુધીમાં પૂરા થતા 24 કલાકમાં 166 મીમી જ્યારે મોસમનો કુલ વરસાદ 2380 મીમીથી વધુ નોંધાયો છે.

તમને જણાવી દઇએ કે, હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા રહેલી છે. ત્યારે દક્ષિણ ગુજરાતના તાપી, વલસાડ અને સુરત સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસશે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ થશે. તદુપરાંત હવામાન વિભાગે હાલ પૂરતી ભારે વરસાદની આગાહીના કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી છે. નોંધનીય છે જો કે, ચોમાસું જલ્દી વિદાય નહીં લે તો કદાચ આ વર્ષે નવરાત્રિમાં પણ વરસાદ વિઘ્નકર્તા બની શકે છે.

Advertisement

Exit mobile version