Bhavnagar
ભાવનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ
પવાર
- જીતુભાઈ ઉપાધ્યાય (કોંગ્રેસ), સુરેશ ધાંધલીયા (ભાજપ) અને ભરત.કોટીલા (આપ)ની પેનલ વચ્ચે રસાકસી
આગામી તારીખ 24 સપ્ટેમ્બરના રોજ ભાવનગર નાગરિક સહકારી બેંક લિમિટેડ ની ખાલી પડેલી 11 ડિરેક્ટરોની યોજાનારી ચૂંટણી માટે શુક્રવારે પૂર્વ ચેરમેન જીતુભાઈ ઉપાધ્યાયની પેનલના તમામ 11 સભ્યોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ભાવનગરની પોતાની ગણી શકાય તેવી ભાવનગર નાગરિક સહકારી બેંક લિમિટેડના 11 ડિરેક્ટરોની મુદત પૂર્ણ થતા તેઓની ચૂંટણી કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયેલ જેમાં ઉમેદવારી પત્ર આપવાનો તથા ભરવાનો આજે શનિવારે અંતિમ દિવસ છે જેમાં શુક્રવારે પૂર્વ ચેરમેન જીતુભાઈ ઉપાધ્યાયની પેનલના જીતુભાઈ ઉપરાંત મહેન્દ્રભાઈ બારૈયા, પ્રદીપભાઈ દેસાઈ, કમલેશભાઈ મહેતા, ધીરુભાઈ કરમટીયા, રફિકભાઇ મહેતર, પુર્ણેન્દૂભાઇ પારેખ, દર્શનાબેન જોશી, ચૈતાલીબેન ભટ્ટ તેમજ નીરૂબેન પડાયા સહિત 11 સભ્યોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ક્રેસન્ટ ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી સભ્યો નાગરિક બેંકએ પહોંચ્યા હતા અને ત્યાં પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. તેમની સાથે મોટી સંખ્યામાં ટેકેદારો જોડાયા હતા.
ભાવનગર નાગરિક સહકારી બેંકની 11 ડિરેક્ટરોની ચૂંટણી માટે ભાજપ પ્રેરિત પેનલની પણ જાહેરાત કરી દેવાય છે. જેમાં ભાવનગર મહાનગરપાલિકાના પૂર્વ મેયર સુરેશભાઈ ધાંધલીયા , રાજુભાઈ ઉપાધ્યાય, પૂર્વ કોર્પોરેટરો સર્વશ્રી કિરીટભાઈ માંગુકિયા, ગીતાબેન વાજા, પ્રભાતસિંહ ગોહિલ, ધર્મેન્દ્રભાઇ મહેતા, મિહિરભાઈ શાહ, નાનુભાઈ ગોહેલ, રામભાઈ રાઠોડ, અશોકભાઈ વાળોદરા તેમજ સીમાબેન કેસરી( એડવોકેટ- નોટરી, પૂર્વ શહેર મંત્રી ભાજપ) નો પેનલમાં સમાવેશ કરાયો છે. આ તમામ ઉમેદવારો આજે શનિવારે અંતિમ દિવસે ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે. તેમ સુરેશભાઈ ધાંધલીયાએ માં જણાવ્યું હતું. જ્યારે ત્રીજી પેનલ પૂર્વ ચેરમેન ભરતભાઇ કોટીલા (આપ)દ્વારા પણ નાગરિક બેંકની ચૂંટણી લડવા માટે પેનલ બનાવાય છે જેમાં ભરતભાઈ કોટીલા ઉપરાંત પારુલબેન ત્રિવેદી, પૂર્વીબેન ધ્રુવ, ભરતભાઈ જોગદીયા, મનોજભાઈ સોલંકી એડવોકેટ, ચાઈનીઝ પોઇન્ટ વાળા અમિતભાઈ પરમાર, હીરા ઉદ્યોગના અગ્રણી પદમશીભાઈ પટેલ, ભરતભાઈ ધાંધલા, અલીયારખા પઠાણ, મહાપાલિકાના પૂર્વ કર્મચારી રાકેશભાઈ જોશી તેમજ સિંધી સમાજના અગ્રણી દોલતભાઈ લાલવાણી સહિત 11 સભ્યો એ આજે શનિવારે અંતિમ દિવસે ઉમેદવારી ફોર્મ ભરેલ.