Sihor
સિહોર સહિત જિલ્લામાં પૂરતા વરસાદ બાદ ખેતી કામમાં શ્રમિકોની પ્રવર્તિ રહેલી અછત
Pvar
ખેતીકાર્ય નિપટાવવા સંઘર્ષ કરી રહેલા ખેડૂતો, વાવણીથી લઈને ખળા સુધીની કામગીરી સમયસર પુર્ણ કરવા જરૂરી મજુરો મળતા નથી
ગત મહિને સુપડાધારે વરસાદ વરસતા ચોમેર નદી, નાળાઓ, નહેર, ચેકડેમ અને તલાવડાઓ પાણીથી છલોછલ થઈ ગયા છે. ત્યારે જગતના તાત ખેડૂતોને વાડી ખેતરોમાંથી પાણી ઉલેચવા, શકય પાક બચાવવા સહિતના આગળના ખેતીકામ માટે શ્રમિકોની અત્યંત આવશ્યકતા વધી રહી છે. હાલ કટોકટીના સમયે જ ભારે શ્રમકાર્ય કરી શકે તેવા પરપ્રાંતીય શ્રમિકોની અછત ઉભી થતા ખેડૂતો ચિંતામગ્ન બન્યા છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે અતિવૃષ્ટિથી મોટા ભાગના ખેડૂતોનો પાક નિષ્ફળ જવાના આરે છે. ભારે વરસાદથી ખેડૂતોને બચેલા ઉભા પાકની માવજત કરવા માટે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાનો વખત આવ્યો છે. આ અગાઉ ટૌટે વાવાઝોડુ, કમોસમી વરસાદ બાદ અતિવૃષ્ટિના કુદરતના કોપની સામે બાથ ભીડીને દિન રાત ભારે સંઘર્ષ કરતા ખેડૂતોને અનેક વિપરીત પરિબળોનો સામનો કરવો પડી રહ્યો છે. પવિત્ર પુરૂષોત્તમ,શ્રાવણ માસના તહેવારો દરમિયાન સમયસર બાકી રહેલ ખેતીકાર્ય નિપટાવવામાં ખેડૂતોને અનેક મોરચે લડવુ પડે છે.
કયારેક તો એક ગામથી અન્ય વિસ્તારમાં ખેત મજુરોને લઈ જવામાં પરપ્રાંતિય કે સ્થાનિક મુકાદમ સાથે શાબ્દીક તકરાર સર્જાઈ રહેલ છે તેના પરથી ખેતીકામ માટે શ્રમિકોની અછત હોવાનું જણાઈ આવે છે. ભાવનગર જિલ્લામાં ખરીફ વાવેતરમાં મગફળી, કપાસ, બાજરી, જુવાર અને તલ સહિતના ખેતીપાકમાં વાડી ખેતરમાં ભરાયેલા પાણીનો સમયસર નીકાલ કરવા, બગડી ગયેલા પાકનો નિકાલ કરવા, જરૂર જણાય ત્યાં વાવણી, નીંદણ, પિયત, દવાનો છંટકાવ, ખાતર, કપાસ વીણવા, મગફળી ખેંચવા સહિતના શ્રમકાર્યો સમયસર વહેલીતકે પુર્ણ કરવા માટે સ્થાનિક ઉપરાંત સ્થાનિક ખાસ કરીને પરપ્રાંતિય શ્રમિકોની તંગી વર્તાઈ રહી છે. અતિવૃષ્ટિ બાદ હાલ વરાપના ટૂંકા સમયગાળામાં તમામ પાકોને તૈયાર કરવા માટે સારી હાથોટીવાળા શ્રમિકોની અત્યંત આવશ્યકતા રહે છે.તેવા કટોકટીના સમયે ભાવનગર જિલ્લાના છેવાડાના અને અંતરિયાળ ગામોમાં અતિવૃષ્ટિથી મહામહેનતે બચાવાયેલા પાકને તૈયાર કરવા માટે સારી હથોટીવાળા કુશળ શ્રમિકોની જરૂરત હોય છે. હાલના સંજોગોમાં કેટલાક તાલુકામાં તો રૂા ૪૫૦ ની દૈનિક દાડી આપવા છતાં પણ વાવણીયા જોતરવાથી લઈને ખળા સુધીની કામગીરી સમયસર પુર્ણ કરવા માટે જોઈતા પ્રમાણમાં મજુરો મળતા નથી. ખેડૂતોને દૂર દૂરના શ્રમજીવીઓના વિસ્તારોમાંથી પાંચથી પચાસ કિ.મી. જેટલા અંતરેથી દૈનિક કામ માટે જરૂરી મજુરોના સમુહ માટે વાહનભાડા સાથે વેતન આપવાની શરતો સાથે મજુરો લાવવાની કડાકૂટ દિન પ્રતિદિન વધી રહી છે.