Bhavnagar
બલી દીકરી ધૈર્યાનો નહી એકવીસમી સદીનો દંભ પાળતા બહુધા સમાજની સંવેદનશીલતાનો ચઢ્યો છે – રાજેશ ઠાકર
દીકરાના મોહમાં એક બાપ પોતાનીજ કુમળી દીકરી પર પીશાચી અત્યાચાર ગુજારી તેની હત્યા કરી નાખે ત્યારે પ્રશ્ન એ માનસિકતાને પોષતી-પંપાળતી વ્યવસ્થાઓ પર ઉઠવો જોઈએ. ભુખી , તરસી આગ સામે ઝુલસતી દીકરી જો સમાજમાં વ્યાપ્ત અંધશ્રદ્ધા ની જાડી ચામડીને ના દઝાડી શકતી હોય તો માની લેવુ કે આ ઘટના પણ અંતિમ બનાવ નથી નથી ને નથી જ. વિશ્વગુરૂ થવાના અભરખાઓ વચ્ચે ‘દી વાળે એ દીકરો’ ની ઘેલછા દીકરીઓને દાટી દેતી હોય તો આપણી લઘુતા પર ગંભીર મંથનની જરૂર છે. પરંતુ ઘટના ઘટે છે એટલે બે ચાર દીવસ ચગે છે અને પછી બધુ બીજી ઘટના ના બને ત્યાં લગી ઠરી ને ઠામ.
ક્યારેક લક્ષ્મી પ્રાપ્તિ માટે ભેટ ચઢતી લક્ષ્મી સ્વરૂપા દીકરીઓ પર તો ક્યારેક પુત્ર પ્રાપ્તિ માટે બલી ચઢી જતી પુત્રીઓ પર બે આંસુ સારી આગળ નીકળી જવાની સાહજીકતા સમાજને પાછળ ધકેલતી જાય છે એ નિર્વિવાદ બાબત છે. ભુવા- ભારાડી, તાંત્રિકો- માંત્રિકો, સાધુ-બાવા અને જોગી- જોગટાઓ છડેચોક અંધશ્રદ્ધા નો વેપલો કરી રહ્યા છે અને નબળી માનસિકતા ધરાવનારાઓ એનો ભોગ બની રહ્યા છે.બાબા રામદેવની પુત્ર પ્રાપ્તિ નો દાવો કરતી ઔષધ જાહેરાત પણ આવીજ માનસિકતાને રોકડી કરવાનો ઈરાદો હતો ,જે વિવાદ બાદ પરત ખેંચાઈ હતી. બૌધિક સંત ગણાતા શ્રી સદગુરૂ (વાસુદેવ જગ્ગી) એ બોડી ઈન્ટેલિજન્સ ની થીયરી રજુ કરતા દીકરા અને દીકરીને સ્તનપાનમા મળતા દૂધની ગુણવત્તા અલગ અલગ હોવાનો દાવો ગાયનેકોલોજીસ્ટ ની એક પરિષદમાં કર્યો હતો. આશ્ચર્ય એ વાતનુ કે ત્યાં ઉપસ્થિત એકપણ ડોક્ટરે એની સામે પ્રશ્નો ઉભા ન્હોતા કર્યા.
આ દર્શાવે છે કે અંધશ્રદ્ધા ગ્રસ્ત માનસિકતાનો શિકાર માત્ર અભણ કે ગામડીયા કહેવાતા લોકો જ નથી હોતા. ગણપતિને દૂધ પીવડાવવા દોડનારી ભીડમાં શહેરી, શિક્ષીત, અમીર, ગરીબ તમામ વર્ગના લોકો હતા જ ને ! આજેય સમ્રુધ્ધિ માટે પરિશ્રમની જગ્યા સિદ્ધ યંત્રોએ અકબંધ રાખી જ છે. મંગળયાન થકી અંતરીક્ષ સુધી પંહોચેલા દેશમાં મંગળ ના નડે એ માટે મંગળનો નંગ વીટીમાં મઢાવી કરોડો આંગળીઓ શોભાયમાન છે. રસ્તોયક્રોસ કરતી બીલાડીથી આજે પણ આપણે ભયભીત છીએ. શીતળા નાબુદીના દશકાઓ બાદ પણ શીતળામાતાની બીકે ઢંડુ ખાનારા લોકોનો મોટો સમુહ અસ્તિત્વમાં છે. આજેય બ્લડ મેચ ના બદલે કુંડળી મેચ કરતી ભીરૂતા સમાજને સતાવે છે.એકવીસમી સદીએ પણ લસણ- ડુંગળી-બટાકા આપણને ભીતરથી અભડાવે છે.
આ બધી અંધશ્રદ્ધાઓના સરવાળા થકી નબળી થતી મનોદશાનો શીકાર ધૈર્યા જેવી દીકરીઓની બને છે. આ અંધશ્રદ્ધાઓ માત્ર ભુવાઓ કે તાંત્રિકો જ નથી પીરસતા ટીઆરપીના રવાડે ચઢેલી ટેલીવીઝન ઈન્ડ્ર્સ્ટીઝ પણ વંહેચે છે.આવા પ્રકારના કાર્યક્રમો સવારે ટીવી ખોલો ત્યારથી જોવા મળે. નિર્મલબાબા, શનિમહારાજ, આશારામ, જેવા અનેક લોકોની વાહીયાત વાતોનો પ્રસાર ગંદા હૈ પર ધંધા હૈ ના સુત્ર મુજબ થતો જ રહે છે. કેટલીક તો ભગવાન સાથે સીધી વાત કરતી આઈટમો પણ ધડલ્લે જવાબદાર ટીવીના માધ્યમે પોતાની બેવકુફી સમાજમાં વંહેચતી જોવા મળે છે. પુત્ર પ્રાપ્તિ , વાંઝીયાપણુ નો ઈલાજ સો દિવસમાં ગેરેંટીથી કરી આપનારાઓ પણ અખબારો અને ટીવી ને પૈસા ચુકવી ધડલ્લેથી ચારસોવીસી નો પરવાનો મેળવી લે છે.
આપણને યાદ આવે કે ,ખુદ ભાજપ સરકારના મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આત્મારામ પરમારે ભારતીય બંધારણના અનુચ્છેદ 51 A (H) નો છેદ ઉડાડી ગઢડા ખાતે 350થી વધુ ભુવાઓનુ સન્માન કરી અંધશ્રદ્ધા ને પ્રોત્સાહિત કરવાનુ કામ કર્યું હતુ.હાલમાં જ એક મંત્રીનો ધુણતો વીડીયો સામે આવ્યો હતો. ભણશે ગુજરાતની વાતો વચ્ચે ધુણશે ગુજરાતની વાતો ખુદ સરકારના લોકો કરતા હોય ત્યારે આવી પ્રવ્રુતિઓ પર નિયંત્રણ આવે કેવી રીતે ? વિચારવાનુ પ્રત્યેક વ્યક્તિએ છે, બાકી ધૈર્યા જેવી માસુમ દીકરીઓ ઘૈર્ય ગુમાવતી રહેશે..
(રાજકીય વિશ્લેષક – રાજેશ ઠાકર અમદાવાદ)