Sihor
સિહોર શહેરમાં વકરતી ટ્રાફિકની સમસ્યા સામે તંત્રની લાલ આંખ
પવાર
વાહનચાલકો છાશવારે સર્જાતા ચક્કાજામથી ત્રસ્ત, પોલીસ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી
સિહોર તાલુકા મથકમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા પોલીસ ટીમ મેદાને ઊતરી છે. શહેરના બજાર વિસ્તારોમાં દુકાનદારો, ગ્રાહકો, નાગરિકો અને વાહનોને કારણે ભારે ભીડ જામતા આડેધડ પાર્કિંગ બંધ કરાવી તેમ જ દુકાનો દ્વારા દબાણો દૂર કરાવી વિસ્તારને મોકળો કરવામાં આવ્યો છે. નગરપાલિકા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગથી ટ્રાફિકની સમસ્યાનો નિકાલ આવ્યો છે. સિહોર પોલીસ દ્વારા સતત શહેરના મહત્વના વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે. તેના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા પર હાલ કાબૂ મેળવી શકાયો છે.



નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. જે સામે નાગરિકોને હાલાકી ભોગવવી પડતી હતી. નગરના વડલાચોક, સિનેમા વિસ્તાર, બસ્ટેન્ડ ઢાળ, મુખ્યબજાર, આંબેડકર ચોક, જેવા મહત્વના વિસ્તારોમાં ટ્રાફિકજામ રહેતો હતો અને વાહનચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.બજાર વિસ્તાર હોવાથી દુકાનોમાં પણ ભીડ રહેતી એટલે વિસ્તારમાં વાહન અને માણસો બન્નેનો જમાવડો થતો.આ સમસ્યાનો ઉકેલ લાવવા પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું છે. શહેરની વિકટ અને માથાના દુ:ખાવારૂપ કોઈ સમસ્યા હોય તો તે ટ્રાફિક સમસ્યા છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન માથાનાં દુખાવા રૂપ બનતી જતી હતી. રોડ પર ઉભા રહેતા આડેધડ વાહન ચાલકોનાં કારણે ટ્રાફિક જામ થઈ જતો હતો. તેની સામે પોલીસે કાર્યવાહી આરંભતા શહેરીજનોએ ટ્રાફિક સમસ્યાથી થોડી રાહત અનુભવી છે.