Sihor
સિહોર ઘાંઘળી રોડની દુર્દશાથી વાહનચાલકો પર જીવનું જોખમ
પવાર
રસ્તામાં મોટા મોટા ખાડા પડયાં છે, તંત્ર પાસે ખાડા પૂરવાનો સમય નથી, હાઈવે રોડની જર્જરીત હાલતથી ઉદ્યોગકારો પણ પરેશાન, રોડની બિસ્માર હાલતથી વાહનચાલકો ત્રાહિમામ
સિહોર અમુક બાબતમાં કાયમ માટે કમનસીબ રહ્યું છે. અને એમાં સૌથી મોટી કમનસીબી એટલે સિહોરથી ઘાંઘળી સુધીનો બિસ્માર માર્ગ રોડ પર અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે. રોડને દુરસ્ત કરવાની માંગ પ્રબળ બની રહી છે. સિહોરથી ઘાંઘળી સુધીનો બિસ્માર માર્ગ કે જે છેલ્લા ઘણા સમયથી સાવ જર્જરીત બની ગયો છે. જેને કારણે રોડ પરથી પસાર થતાં વાહનચાલકો તોબા તોબા પોકારી ગયા છે. ખાસ કરી વડીયા પછી જીઆઇડીસી ચાર આજુબાજુ અનેક જગ્યાએ મોટા-મોટા ખાડા પડી ગયા છે. રોડ પરથી આખા દિવસ દરમ્યાન હજારો વાહનો પસાર થાય છે.અનેક નાના -મોટા શહેરોના વાહનો પસાર થાય છે.ઉપરાંત પાલિતાણાથી અયોધ્યાપુરમ જતાં જૈન સાધુ -સાધ્વીઓ પણ અહીંથી પસાર થતાં હોય છે. રોડની હાલત અત્યારે એટલી બદતર બની ગઇ છે કે પૂછો વાત ! ૨૪ કલાક ટ્રાફિકથી ધમધમતા સિહોરના ઘાંઘળી રોડની દુર્દશાથી વાહનચાલકો ઉપર જીવનું જોખમ મંડરાઈ રહ્યું છે. હાઈવે પર પડેલા મોટા-મોટા ખાડાના કારણે વાહનોને નુકશાની થઈ રહી છે.
જેનાથી સામાન્ય જનતા ઉપરાંત ઉદ્યોગકારો પણ પરેશાન થઈ ગયા છે. ઘાંઘળી રોડ રાજ્ય ધોરીમાર્ગનો એક ભાગ છે. પરંતુ આ રોડની હાલત ગામડાના રસ્તા કરતા પણ વધુ ખરાબ બની ગઈ છે. અહીં મોટા-મોટા ખાડા પડી ગયા છે. આ માર્ગ પરથી કોઈપણ વાહનચાલકને પસાર થવું દુઃસ્વપ્ન સમાન બની ગયું છે. રોડની દુર્દશાને કારણે વાહનોમાં નુકશાની એ રોજિંદી બાબત બની ગઈ છે. આ રસ્તો અમદાવાદ અને પાલિતાણાને જોડે છે. જેથી ખાનગી વાહનો, સરકારી બસની સતત અવર-જવર રહેતી હોય છે.ત્યારે અહીંથી દરરોજ પસાર થનારના કમરના મણકા ખસી જાય શકે એટલો ભયંકર રોડ બની ગયો છે ! જેથી રોડને વહેલામાં વહેલી તકે દુરસ્ત કરવાની માંગ પ્રબળ બની ગઇ છે.