Politics

સ્‍વમાનના ભોગે સમાધાન નહીં : પસાર થતો સમય ભાજપ અને રૂપાલા બન્‍ને પર જોખમ વધારી રહ્યો છે

Published

on

અત્‍યારે પોલિટિકલ સિચુએશન ડિટ્ટો પેલી ગુજરાતી કહેવત જેવી ઊભી થઈ છે : ‘ડોશી મરે તો વાંધો નહીં, પણ જમ ઘર ભાળી જાય એ નહીં ચાલે’. આજે એક સમાજ આગળ આવ્‍યો અને એ સમાજની માગણી સ્‍વીકારવામાં આવી તો આવતી કાલે અન્‍ય કોઈ આગળ આવે અને એની સામે પાર્ટીએ ઝૂકવું પડે એ કોઈ પણ નૅશનલ પાર્ટી સ્‍વીકાર્ય ન ગણે : સૌથી સરળ રસ્‍તો જો કોઈ હોય તો એ રાજ્‍યસભાનો છે, જ્‍યાં કોઈ સમાજની પરમિશન લેવા જવાની નથી અને ગુજરાતમાં તો ભાજપ એ સ્‍તર પર છે જ કે રાજ્‍યસભાના તેમના ઉમેદવારને ક્‍લીન સ્‍વીપ જ મળે.

પોલિટિક્સ એનાલિસિસ મિલન કુવાડિયા

ગઈકાલે ગુજરાતમાં ક્ષત્રિય સમાજે સ્‍પષ્ટ કરી નાખ્‍યું કે સમાધાન ત્‍યારે જ શકય છે જ્‍યારે ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચી લે. ધીમે-ધીમે આખી વાતે બહુ મોટું રૂપ લઈ લીધું છે. હવે એવી પરિસ્‍થિતિ આવી ગઈ છે કે સ્‍વમાનના ભોગે સમાધાન શકય નથી રહ્યું.

મુદ્દો એ છે કે ક્ષત્રિયો માટે પણ સ્‍વમાનની વ્‍યાખ્‍યા જુદી છે તો સામે પક્ષે ભાજપ માટે પણ અત્‍યારના સમયે સ્‍વમાનની વ્‍યાખ્‍યા જુદી છે. પાર્ટી પોતાના ઉમેદવારને બદલવા રાજી ન થાય એ વાત માટે મન મનાવીને બેઠી હતી અને એટલે જ તો ગઈકાલની મીટિંગ થઈ, પણ એ મીટિંગમાં આવેલા પરિણામ પછી હવે જોવાનું અને વિચારવાનું અને પાર્ટીએ નક્કી કરવું પડશે કે આખેઆખા સમાજને દાવ પર મૂકવો કે પછી એક વ્‍યક્‍તિની ટિકિટ રદ કરીને આગળ વધવું.

હજી સુધી એટલું સારું થયું છે કે ક્ષત્રિયો ભાજપ વિરુદ્ધ કશું કહેતા નથી થયા. તેઓ જ કહે છે કે અમે મનથી, દિલથી ભાજપની સાથે છીએ અને જો ભાજપ અમારી વાત માને તો હજી પણ અમે તેમની સાથે જ રહેવા માગીએ છીએ. જો અંગત રીતે આખી વાતને જોવાની હોય અને એ પછી કહેવાનું હોય તો કહેવું પડે કે અત્‍યારે પૉલિટિકલ સિચુએશન ડિટ્ટો પેલી ગુજરાતી કહેવત જેવી ઊભી થઈ છે : ‘ડોશી મરે તો વાંધો નહીં, પણ જમ ઘર ભાળી જાય એ નહીં ચાલે’. આજે એક સમાજ આગળ આવ્‍યો અને એ સમાજની માગણી સ્‍વીકારવામાં આવી તો આવતી કાલે અન્‍ય કોઈ આગળ આવે અને એની સામે પાર્ટીએ ઝૂકવું પડે એ કોઈ પણ નૅશનલ પાર્ટી સ્‍વીકાર્ય ન ગણે, પણ સામા પક્ષે એ પણ સમજવું જ રહ્યું કે સમાજ સામે કયારે આવ્‍યો અને કેવા સંજોગોમાં આવ્‍યો?

Advertisement

પરષોત્તમભાઈનું ભણતર બહુ સારું છે. જો તમે તેમને મળ્‍યા હો, નજીકથી ઓળખતા હો તો તમને ખબર પણ હોય કે વ્‍યક્‍તિગત રીતે તેઓ ખરેખર બૌદ્ધિકતા ધરાવનારી વ્‍યક્‍તિ. તેમના મોઢેથી એવી વાત બોલાઈ ગઈ એનું આ પરિણામ આવ્‍યું છે. હવે ભૂલ થઈ છે તો એ ભૂલને સુધારી જ શકાય છે તો સાથોસાથ એ પણ ક્‍લિયર છે કે જો તેમને ઍક્‍ટિવ પૉલિટિક્‍સમાં લઈ જવા હોય તો બીજા અનેક રસ્‍તા છે જ છે અને ભાજપ એ વાપરી જ શકે.

સૌથી સરળ રસ્‍તો જો કોઈ હોય તો એ રાજ્‍યસભાનો છે, જ્‍યાં કોઈ સમાજની પરમિશન લેવા જવાની નથી અને ગુજરાતમાં તો ભાજપ એ સ્‍તર પર છે જ કે રાજ્‍યસભાના તેમના ઉમેદવારને ક્‍લીન સ્‍વીપ જ મળે. ક્ષત્રિયોએ પરષોત્તમ રૂપાલાના બીજા દરવાજા બંધ નથી કર્યા જે દેખાડે છે કે તેઓ કોઈની ચડામણીથી આગળ નથી વધી રહ્યા તેમ મીડ-ડે ગુજરાતીનો અહેવાલ જણાવે છે. બહેતર છે કે હવે આ વિવાદનો અંત આવે અને વહેલી તકે ક્ષત્રિય સમાજની ઇચ્‍છા મુજબ આખી વાતનો નિવેડો લાવવામાં આવે. રસ્‍તા પણ કોઈ બાકી બચ્‍યા નથી એ પણ નિર્વિવાદ છે. બસ, હવે સમય પસાર ન થાય એ જોવાનું છે, કારણ કે પસાર થતો સમય ભાજપ અને રૂપાલા બન્ને માટે ૧૦૦ ટકા જોખમી પુરવાર થનારો છે.

Trending

Exit mobile version