Sihor
ઊંધિયા વગર અધૂરો છે ઉત્તરાયણનો તહેવાર : આ વખતે ભાવે ભૂક્કા બોલાવી નાખ્યા : ૧ કિલોની કિંમત ૨૫૦થી ૩૦૦ રૂપિયા
દેવરાજ
ઉત્તરાયણ પર ઊંધિયાની માગને પહોંચી વળવા માટે ફરસાણની દુકાનના માલિકોએ શરૂ કરી તૈયારી : શનિવારે ઉત્તરાયણ છે અને આ દિવસે ઊંધિયું ખરીદવા માટે પડાપડી થશે : કેટરિંગવાળાઓએ માગને પહોંચી વળવા માટે અત્યારથી જ તૈયારી આદરી દીધી : કેટલીક દુકાનો, જેઓ વર્ષોથી ઊંધિયા માટે ફેમસ છે તેમને તો પ્રી-ઓર્ડર પણ મળી રહ્યા છે.
ઉત્તરાયણ એટલે માત્ર પતંગ ચગાવવાનો આનંદ જ નહીં પરંતુ પરિવારના સભ્યો સાથે બેસીને ઊંધિયું, જલેબી, પુરી અને લીલવાની કચોરીની જયાફત માણવાની પણ મજા. ઉત્તરાયણ પર ઊંધિયું ખાવાનું ખાસ મહત્વ છે અને તેની સાથે જલેબી તો હોય જ. ભાગ્યે જ તેવા સિહોરીઓ હશે જેમના ઘરે ઉત્તરાયણ પર ઊંધિયું ન બનતું હોય. ૧૪ જાન્યુઆરીની સવાર પડે એટલે લોકોના ઘરમાંથી ઊંધિયામાં પડતાં ગરમ મસાલાના સોડમ આવવા લાગે. જો કે, કેટલાક લોકો બહારથી તૈયાર ઊંધિયું લાવવાનું પસંદ કરતાં હોય છે જેના કારણે કેટરિંગવાળાનો તહેવાર સુધરી જતો હોય છે. આ વખતે ઉત્તરાયણ વીકએન્ડ પર આવી રહી છે અને તેથી સારો બિઝનેસ થવાની તેમને આશા છે. કેટરિંગવાળા અત્યારથી જ ઊંધિયાની તૈયારીમાં લાગી છે. અલગ-અલગ પ્રકારના શાકભાજીમાંથી બનતાં આ સ્વાદિષ્ટ ઊંધિયાનો ભાવ પ્રતિ કિલોએ આ વખતે ૨૫૦ રૂપિયાથી માંડીને ૩૦૦ રૂપિયા સુધી છે.