Bhavnagar
ભાવનગરનો જિલ્લા કક્ષાનો ૭૪મો વન મહોત્સવ પાલિતાણાના માનવડ ખાતે યોજાયો
પવાર
- પર્યાવરણ પ્રત્યે કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરી સહાયના ચેક અર્પણ કરાયા
ભાવનગરના ધારાસભ્ય શ્રી ભીખાભાઇ બારૈયાની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો ૭૪મો વન મહોત્સવ પાલિતાણાના મોડેલ સ્કુલ માનવડ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી ભીખાભાઇ બારૈયા એ જણાવ્યું હતુ સમગ્ર જીવસૃષ્ટિનો આધાર પ્રકૃતિ પર રહ્યો છે. વર્તમાન સમયમાં પર્યાવરણીય અસંતુલનને કારણે જીવસૃષ્ટિને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
કોરોનાએ આપણને સૌને જીવનમાં વૃક્ષનું મહત્વ સમજાવ્યું છે. આ પરિસ્થિતિને નિવારવા માટે વૃક્ષારોપણ ખુબ જ જરૂરી છે. દર વર્ષે વર્ષાઋતુના સમયગાળામાં સમગ્ર રાષ્ટ્ર અને રાજ્યમાં વન મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવે છે. જેના થકી લોકોમાં વૃક્ષો પ્રત્યેનો પ્રેમ વધે છે.
૭૪મા વન મહોત્સવના અવસરે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લામાં પર્યાવરણ પ્રત્યે કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન તેમજ સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના અંતે સર્વે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ તેમજ મહાનુભાવો દ્વારા લીલી ઝંડી બતાવી વૃક્ષ રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો.
આ ઉજવણીના પ્રસંગે ભાવનગરના નાયબ વન સંરક્ષકશ્રી સાદિક મુંઝાવર, પ્રાંતશ્રી યુવરાજ સિદ્ધાર્થ, શ્રી નાગજીદાદા સહિતના આગેવાનો અને વન વિભાગના અધિકારીશ્રીઓ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.