Bhavnagar
પરીક્ષામાં ડમીકાંડનો ભાંડો ફોડનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ભાવનગર પોલીસમાં હાજર
બરફવર્ષા
ડમીકાંડમાં જીતુ વાઘાણી, વર્તમાન મંત્રી, આસીત વોરા સહીત 30 નામનો ધડાકો : પોલીસ સમક્ષ હાજર થયા પૂર્વે નિવેદન: પૂર્વ શિક્ષણમંત્રી, વર્તમાન પ્રધાન સહીત વધુ 30 નામો આપવાનો છું: અવિનાશ પટેલ, જશુ ભીલ, આસીત વોરા, અવધેશ જેવા નામોનો ઉલ્લેખ: આવા ‘માથાઓને’ સમન્સ કેમ નહિં?
ડમીકાંડ 2004 થી ચાલી રહ્યાનો દાવો: કૌભાંડ આચરીને નોકરી મેળવનારા કેટલાંક તો ગેઝેટેડ ઓફીસર બની ગયા છે: આરોપીઓને બચાવવા સરકારના હવાતીયા, નિવેદન માટે કેમ નથી બોલાવતા?
પરીક્ષામાં ડમીને બેસાડીને સરકારી નોકરી મેળવવાનાં ખળભળાટ સર્જતા કૌભાંડમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ વધુને વધુ નવા ધડાકા કરી રહ્યા છે. પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી ઉપરાંત વર્તમાન પ્રધાન સહીત વધુ 30 નામો આપવાનો તેઓએ ધડાકો કર્યો છે. ડમીકાંડનાં આરોપીઓ પાસેથી મોટી રકમ પડાવી હોવાનાં બીપીન ત્રીવેદી નામનાં શિક્ષકના આક્ષેપ બાદ સમન્સ કઢાતા આજે ભાવનગર પોલીસ સમક્ષ હાજર થતા પૂર્વે કૌભાંડને ઉજાગર કરનારા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે એવો ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે ‘આજે પોલીસને ડમીકાંડમાં’ વધુ 30 નામો આપવાનો છું. બંધ કવરમાં આ નામ આપીશ. પૂર્વ શિક્ષણમંત્રી તથા વર્તમાન પ્રધાનના નામ પણ છે. તેમણે એવો સવાલ ઉઠાવ્યો હતો કે, તમામની સામે પુરાવા છે. મારા વિરૂદ્ધ સમન્સ નિકળે તો જીતુ વાઘાણી વિરૂદ્ધ પણ નિકળવુ જોઈએ કૌભાંડમાં સામેલ મોટા નેતાઓ મને દબાવવાનાં પ્રયાસો કરે છે.ભુતકાળમાં પાર્ટીમાં જોડાઈ જવાનાં પ્રલોભનો પણ આપ્યા હતા. આ કૌભાંડ 2011 થી નહી પણ 2004 થી ચાલે છે અને તેમાનાં કેટલાંક તો ગેઝેટેડ ઓફીસર પણ બની ગયા છે. આવા કોઈને સમન્સ પાઠવવામાં આવતા નથી અવિનાશ પટેલ, જશુ ભીલ, જીતુ વાઘાણીનાં નામો પણ બોલ્યા હતા. આ પૂર્વે યુવરાજસિંહ ગઈરાત્રે સોશ્યલ મિડિયામાં લાઈવ થઈને એમ કહ્યું હતું કે 156 પ્લસનાં ભ્રષ્ટાચારનાં હાથીની સામે હું એક સામાન્ય મચ્છર છું છતા આ ભ્રષ્ટાચારનાં હાથીને તાંડવ કરાવીશ. ડમીકાંડ પ્રકરણમાં સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી જ છે.યુવરાજસિંહે અગાઉ જ 34 નામો આપ્યા હતા. ગઈકાલે પોલીસે વધુ 6 આરોપીઓની ધરપકડ કરી હતી. તેમાંથી એક શિક્ષક તથા બે આરોગ્યવર્કર તરીકે કાર્યરત હતા. અત્યાર સુધીમાં 14 ની ધરપકડ થઈ છે.
યુવરાજના સમર્થનમાં વિદ્યાર્થીઓ ઉમટયા : ભીડભંજન મહાદેવના દર્શન કરીને રેલીરૂપે હાજર થયા
આજે વહેલી સવારે ભાવનગર આવી પહોંચ્યા બાદ યુવરાજસિંહ સવારે શહેરના ભીડભંજન મહાદેવ ખાતે ભગવાન ભોળાનાથના દર્શન કરીને વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષા આપતા ઉમેદવારો,ક્ષત્રિય સમાજના લોકો તેમજ સમાજની મહિલાઓના સમર્થન સાથે રેલી સ્વરૂપે એસ.પી. કચેરીએ પહોંચ્યા હતા અને એસ.ઓ.જી. કચેરી ખાતે હાજર થયા હતા. આ સમયે એસપી કચેરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જબરજસ્ત રેલી સાથે એસ.પી. કચેરી જવા નીકળેલા યુવરાજસિંહનું માર્ગમાં વિદ્યાર્થીઓ અને સમર્થકો દ્વારા સ્વાગત કરાયું હતું.
કૌભાંડ દબાવવા મોટા ભાગના પ્રયાસો : પાર્ટીમાં જોડાવવા સહિતના અનેકવિધ પ્રલોભનો
યુવરાજસિંહે એવો આક્ષેપ કર્યો હતો કે મોટા માથાઓ કૌભાંડને દબાવી દેવા મથી રહ્યા છે. મને પોતાની પાર્ટીમાં જોડાવવા માટે ઓફર કરવા સહિતના અનેકવિધ પ્રલોભનો આપવામાં આવ્યા હતા. પરંતુ પોતે ધાકધમકી કે લાલચને વશ થયા નથી. કોઇની સાથે આર્થિક વ્યવહારો કર્યાના આક્ષેપમાં કોઇ દમ નથી.
મારા જીવ પર જોખમ : હીટ એન્ડ રન થઇ શકે : ભાજપમાં જોડાયો હોત તો તકલીફ ન થાત
ડમીકાંડનો ભાંડો ફોડનારા યુવરાજસિંહે એવો આક્ષેપ લગાવ્યો હતો કે ડમીકાંડમાં સામેલ કૌભાંડીયાઓ મને પતાવી દેવા માંગે છે. હીટ એન્ડ રન કે અન્ય રીતે હત્યા થવાની આશંકા છે એટલે મેં પાંચ વારસદાર પણ નીમી દીધા છે. તેઓએ એવી ટકોર કરી તી કે સરકારને મારાથી તકલીફ છે. વર્તમાન ગૃહ રાજયમંત્રીને પણ પુરાવા આપ્યા છે છતાં કોઇ કાર્યવાહી થઇ નથી. મને સમન્સ પાઠવવા પાછળનો આશય હેરાન કરવાનો છે. જો ભાજપનો ખેસ પહેરી લીધો હોત તો કોઇ તકલીફ ન થાત.