Sihor
ખુરશી માટે ખેંચતાણ : લગ્ન અને ચૂંટણી એકસાથે : એકને સત્તા માટે, બીજાને સંસાર ચલાવવા જરૂર છે
પવાર
- સિહોર જ નહીં સમગ્ર જિલ્લામાં લગ્ન અને ચૂંટણી સભા માટે રોજ હજારોથી વધુ ખુરશીની પડશે જરૂર : મંડપ સંચાલકો પાસે ખુરશીનો સ્ટોક ખૂટી પડતા બહારાગામથી વ્યવસ્થા કરવી પડી
રાજ્યભરમાં ડિસેમ્બર સુધી ચૂંટણી અને લગ્ન સિઝન એકસાથે રહેતા ખુરશી માટે ખેંચતાણ શરૂ થઈ ગઇ છે. આ વખતે ખુરશીનો ઉપયોગ સત્તા અને સંસાર ચલાવવા માટે થશે. જિલ્લામાં લગ્ન અને ચૂંટણી સભાને કારણે ડિસેમ્બર સુધી રોજની હજારો ખુરશીની જરૂરિયાત પડશે. બે વર્ષ બાદ લગ્ન-પ્રસંગ કોઈ પાબંદી વગર થઈ રહ્યાં છે. લગ્ન માટે હોલ, મંડપ, ખુરશી, સ્ટેજ વગેરેનું બુકિંગ જન્માષ્ટમી પછી તરત જ થઈ ગયું છે. ચૂંટણી ગત સપ્તાહમાં જાહેર થઈ. આથી ખુરશી માટે વધુ જરૂરિયાત ઊભી થઈ છે. હાલમાં મંડપ સંચાલકોને ત્યાં સ્ટોક ખૂટી પડ્યો હોવાથી બહારગામથી તેઓ વ્યવસ્થા કરી રહ્યાં છે. લગ્નમાં તો પહેલેથી તારીખ પ્રમાણે બુકિંગ હોય છે પરંતુ ચૂંટણીમાં કોઈ એડવાન્સથી જાણ કરવામાં આવતી નથી. સભા કે કાર્યક્રમના આગલા દિવસે જાણ કરે છે. આટલી સંખ્યામાં ખુરશી જોઇએ છે. હાલ કાર્યાલયનું ઉદઘાટન થઈ રહ્યા છે કાર્યાલયમાં ઓછામાં ઓછી 50થી 100 ખુરશીની જરૂરિયાત રહેતી હોય છે. જ્યારે સભા હોય ત્યારે આ જરૂરિયાત વધી જતી હોય છે. એક અંદાજ મુજબ રાજકીય સભા હોય ત્યારે ઓછામાં ઓછી 2 હજાર ખુરશીની જરૂરિયાત રહેતી હોય છે. બહારગામથી ખુરશી મગાવવી પડી રહી છે.