Gujarat

મોરબી પુલ દુર્ઘટનાને લઇ રાજ્યવ્યાપી શોક : રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે

Published

on

મોરબી જિલ્લામાં સર્જાયેલી પુલ દુર્ઘટના બાદ રાજ્યમાં આજે રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે. સોમવારે સાંજે PM મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 135થી વધુ લોકોના મોત થયા છે.

PM મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાતના મુખ્ય સચિવ, ડીજીપી સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને રાજ્યમાં શોકની જાહેરાત કરી હતી.

શું હોય છે રાજકીય શોક?
શબ્દ પરથી જ સ્પષ્ટ છે કે, જ્યારે રાજ્યમાં શોક જાહેર કરવામાં આવે છે, ત્યારે તેને રાજકીય શોક કહેવામાં આવે છે. બીજી તરફ, જ્યારે સમગ્ર દેશમાં શોક જાહેર કરવામાં આવે છે, ત્યારે તેને રાષ્ટ્રીય શોક કહેવામાં આવે છે. જ્યારે દેશમાં કોઈ મોટા નેતા, કલાકાર કે એવી કોઈ વ્યક્તિનું અવસાન થાય કે જેણે દેશના સમ્માન માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપ્યું હોય, ત્યારે તે સ્થિતિમાં રાજ્ય કે રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવે છે.

કોણ કરી શકે છે જાહેરાત?
અગાઉ ફકત કેન્દ્ર સરકારને જ રાજ્યમાં શોક જાહેર કરવાનો અધિકાર હતો અને આ જાહેરાત રાષ્ટ્રપતિની સલાહ પર જ કરવામાં આવતી હતી. જો કે, હવે નિયમો બદલાઇ ગયા છે, જે મુજબ હવે રાજ્ય સરકાર પોતે જ નક્કી કરી શકે છે કે રાજકીય સન્માન કોને આપવું છે.

કેટલા દિવસ સુધી હોઇ શકે છે રાજકીય શોક?
રાજ્ય સરકાર તેની અનુકૂળતા મુજબ રાજકીય શોક જાહેર કરે છે. રાજ્ય સરકાર લોકોને ધ્યાનમાં રાખીને રાજકીય શોક જાહેર કરે છે.

Advertisement

શોક દરમિયાન શું હોય છે રાજ્યની સ્થિતિ?
જ્યારે દેશમાં રાજકીય શોક જાહેર કરવામાં આવે છે, તે સમયગાળા સુધી રાજ્યની વિધાનસભા, સચિવાલયો અને મહત્વપૂર્ણ કાર્યાલયોમાં રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે. શોક જાહેર કર્યા બાદ રાજ્યમાં કોઈ સરકારી કાર્યક્રમ કે કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું નથી. રાજ્યના શોક માટે જાહેર રજા હોવી જરૂરી નથી.

રવિવારની સાંજે શું થયું હતું?
મોરબીના મણિ મંદિર નજીકનો અને મચ્છુ નદી પરથી પસાર થતો 140 વર્ષ જૂનો ઝૂલતો પુલ 30મી ઓક્ટોબરના રોજ સાંજે 6.32 વાગ્યે તૂટ્યો હતો. આ દુર્ઘટનામાં અનેક માસુમ બાળકો સહિત 135 લોકોના જીવ ગયા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ પુલ તૂટ્યો ત્યારે તેના પર 400થી વધારે લોકો હતા. પુલની ક્ષમતા 100 લોકોની હતી.

મોરબીના રાજા સર વાઘજી પોતાના રાજ દરબારથી રાજ મહેલ જવા માટે આ કેબલ બ્રિજનો જ ઉપયોગ કરતાં હતા. તેમના શાસનમાં જ આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતુ. પોતાની રાજાશાહી ખતમ થયા બાદ રાજાએ આ પુલની જવાબદારી મોરબી નગરપાલિકાને સોંપી દીધી હતી. આ પુલ 140 વર્ષ જૂનો હતો. જેને 6 મહિના સુધી રિનોવેશન માટે બ્રિજ બંધ કરાયો હતો અને ત્રણ દિવસ પહેલા જ ફરી શરૂ કરાયો હતો.

રૂ. બે કરોડના ખર્ચે તેને રિનોવેશન કરાયો હતો. આ બ્રિજનું ઉદ્ઘાટન 20 ફેબ્રુઆરી, 1879માં મુંબઈના ગવર્નર રિચર્ડ ટેમ્પલે કર્યું હતુ. તે સમયે આ પુલ લગભગ 3.5 લાખના ખર્ચે તૈયાર થયો હતો. આ બ્રિજની જવાબદાર ઓરેવા ગ્રુપ પાસે છે. આ ગ્રુપે માર્ચ 2022માં વર્ષ 2037 સુધી આ બ્રિજ માટે મોરબી નગર પાલિકા સાથે ડીલ કરી છે. ઓરેવા ગ્રુપ જ બ્રિજની સુરક્ષા, સફાઈ, મરામત્ત અને મેનેજમેન્ટનું કામ જોઈ રહ્યું છે.

Advertisement

Trending

Exit mobile version