Sihor

સિહોર – વેપાર ઉદ્યોગની માઠી : ચૂંટણીના કારણે હીરા ઉદ્યોગનું દિવાળી વેકેશન લંબાવાયું

Published

on

બરફવાળા

જિલ્લાના હજારો કારીગરો વતનમાં જ રોકાયા : રાજકીય દબાણ હોવાની ચર્ચા : માર્ગો પરના આકરા ચેકીંગથી જ્વેલરી સહિતના ઉદ્યોગોના કામકાજ લગભગ ઠપ્પ : લગ્નની સિઝનમાં જ આંચકો : આંગડીયા સેવા બંધ થતા નાના વેપારીઓ અને ઉદ્યોગોના વ્યવહાર અટકી પડ્યા

સિહોર પંથક અને ખાસ કરી ભાવનગર જિલ્લાનું સુરત સાથે અનેરુ કનેકશન સ્થાપિત કરતા હીરા ઉદ્યોગમાં દિપાવલીનું વેકેશન હવે ડીસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી લંબાવાતા તેના કારણે સુરતના હીરા ઉદ્યોગ માટે લાભપાંચમ બાદ બોણી પણ ન થાય તેવી સ્થિતિ સર્જાઇ ગઇ છે. સિહોર ભાવનગર સહિત જિલ્લામાંથી હજારો લોકો સુરતમાં ડાયમંડ અને હવે ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે પણ જોડાયેલા છે. ચૂંટણીના કારણે વેકેશન ડીસેમ્બરના પ્રથમ સપ્તાહ એટલે કે અંદાજે 10 ડીસેમ્બર સુધી લંબાવાતા તેના કારણે સુરતના હજારો હીરાના કારખાનાઓને ફરજીયાત રીતે બંધ કરવા પડયા છે અને 15 નવેમ્બરે જે યુનિટો ચાલુ થયા તેમાં પણ કારીગરોની ખેંચ વર્તાઇ છે. રાજકીય પક્ષોના દબાણથી ખાસ કરીને હીરા ઉદ્યોગને તેમનું વેકેશન લંબાવવાની ફરજ પડી છે. મોટાભાગના હીરાના કારખાનેદારો કહે છે કે અધૂરા કારીગરોના કારણે પોલીશીંગ સહિતની કામગીરી શક્ય નથી. ફક્ત હીરા ઉદ્યોગ જ નહીં સૌરાષ્ટ્ર અને સુરતના અનેક ઉદ્યોગો અને વ્યવસાયો માટે વિધાનસભા ચૂંટણીએ દિપાવલી બાદના ધંધામાં બ્રેક લાવી ગઇ છે.

ખાસ કરીને ચૂંટણીના કારણે જે આચારસંહિતા અમલી બની છે તેના કારણે સોના-ચાંદી, રોકડ વગેરેની હેરફેરને જબરી બ્રેક લાગી ગઇ છે. એક તરફ ડીસેમ્બરની 14 પૂર્વેની લગ્નની મોસમ અને ત્યારબાદના કમૂરતા પછીના જે લગ્નની સિઝન ફરી ચાલુ થશે તે માટે જ્વેલરી ઉદ્યોગ સજ્જ બની ગયો હતો. ચાલુ વર્ષે દિપાવલી સારી જવાથી જ્વેલરી ઉદ્યોગમાં દિપાવલી માંડ સારી રહેશે તેવી ગણતરીએ સોનાની ખરીદી અને રોકડની હેરફેરમાં જબરો ઉછાળો નોંધાશે તેવી સ્થિતિ હતી પરંતુ આચારસંહિતાના કારણે જે રીતે માર્ગો પર આકરી તલાશી વગેરે થઇ રહી છે તેના કારણે આ પ્રકારના વ્યવહારોને બ્રેક લાગી ગઇ છે. આ ઉપરાંત કાપડ સહિતના વેપારીઓને કે જેની મુખ્યત્વે નાણાકીય કામગીરી આંગડીયા મારફત થતી હોય છે પરંતુ કડક ચેકીંગના કારણે આંગડીયા પેઢીઓએ પોતાનું કામકાજ બંધ કરી દેતા આ વ્યવસાયને પણ હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. સૌરાષ્ટ્ર અને સુરત વચ્ચે જે મોટો વ્યાપારી તેમજ ધંધાકીય જોડાણ છે તેને અસર થતા જ લાખોની રોજગારી પર પણ અસર થશે તે નિશ્ર્ચિત છે.

Trending

Exit mobile version