Gujarat
સ્થાનિક સ્વરાજમાં સત્તા માટે સ્વાર્થની હદ વટી ગઈ? પક્ષ અને મતદાતાને દગો કરનારા કેવી સેવા કરશે? નિષ્પક્ષ ચૂંટણી ન થઈ શકે?
સલીમ બરફવાળા
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સત્તાકારણ ચરમસીમાએ, સત્તા માટે સ્વાર્થની હદ પાર થઈ, સત્તા માટે નેતાઓ તડજોડનું રાજકારણ કરતા જોવા મળ્યા, સત્તા મેળવવા કે ટકાવવા પોલીસનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ, પોલીસની ધાકધમકી કે ધરપકડથી નેતાઓને ગૂમ કરી દેવાયાના પણ આક્ષેપ, હોદ્દેદારો અંગત સ્વાર્થ માટે પળવારમાં પક્ષપલટો કરીને સત્તા મેળવી ગયા, આવા જનપ્રતિનિધિ સેવાની ભાવના કેટલી કેળવે તે સૌથી મોટો સવાલ
રાષ્ટ્રીય કક્ષાના રાજકારણ કરતા પણ સ્થાનિક સ્વરાજમાં હોદ્દેદારોની વરણી કે ચૂંટણીમાં એવું નિમ્ન કક્ષાનું રાજકારણ ખેલાય છે જેની કોઈ હદ નથી. જો રાજકારણને સેવાનું માધ્યમ આદર્શ રીતે ગણીએ તો તેની શરૂઆત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓથી થઈ. આપણે આપણા જીવનકાળ દરમિયાન અનેક એવા નેતા જોયા અને જોઈએ છીએ કે જેણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કોઇ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના સભ્ય તરીકે કરી હોય અને પછી રાજકારણમાં ટોચ ઉપર પહોંચ્યા હોય.
હવે તો સ્થિતિ એવી આવીને ઉભી રહી ગઈ છે કે રાષ્ટ્રીય કક્ષાના રાજકારણ કરતા પણ સ્થાનિક સ્વરાજમાં હોદ્દેદારોની વરણી કે ચૂંટણીમાં એવું નિમ્ન કક્ષાનું રાજકારણ ખેલાય છે જેની કોઈ હદ નથી. કોઈ 80 કે 90ના દશકની મિથુન ચક્રવર્તી કે ગોવિંદા બ્રાન્ડની ફિલ્મોમાં જે રીતે હિંસા અને જંગલરાજના દ્રશ્યો બતાવાતા હતા કે પછી 90ના દાયકામાં રાજનીતિની દ્રષ્ટિએ બિહારની જે સ્થિતિ હતી તેવી સ્થિતિ ધીમે ધીમે ગુજરાતમાં બની રહી છે તેમ કહીએ તો ખોટું નથી. સત્તા મેળવવા પંચાયત કે પાલિકાના સભ્યો ઉપર દબાણ કરાય છે, તેને ધાકધમકી આપ્યાના આરોપ લાગે છે. વાત તો ત્યાં સુધી સામે આવે છે કે સભ્યોને ઉપાડી જવા માટે પોલીસબળનો પ્રયોગ કરવામાં આવે. તો સિક્કાની બીજી વરવી બાજુ એવી પણ છે કે જેમાં અંગત સ્વાર્થ કે નજીવી લાલચે સભ્યોએ પોતાના જ પક્ષ સાથે દગો કરીને અન્ય પક્ષને સાથ આપ્યો હોય અને સમગ્ર સત્તા એક પક્ષ પાસેથી બીજા પક્ષ પાસે જોતજોતામાં જતી રહી હોય. પાયાનો પ્રશ્ન એટલો છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કે જ્યાંથી મૂળભૂત સેવાની શરૂઆત થાય છે ત્યાં જ સ્વાર્થની હદ વટી જાય તેવી સ્થિતિ કેમ આવી તે સવાલ મોટો છે.