Sihor
રાજયમાં ગરમીના વધતા જતા પ્રકોપના પગલે શાળાઓનું વેકેશન એક સપ્તાહ લંબાવો
પવાર
તા.1 જુલાઈ સુધી શૈક્ષણિક સંસ્થાઓ સવારની પાળીમાં ચલાવવી જરૂરી : શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ મંત્રીને રજુઆત
સિહોર સહિત રાજયમાં ગરમીના વધતા જતા પ્રકોપના પગલે શાળાઓનું વેકેશન એક સપ્તાહ લંબાવી નવું શૈક્ષણિક સત્ર તા.5ના બદલે 15 જૂનથી શરૂ કરવા શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. આ અંગે શાળા સંચાલક મંડળના હોદેદારોએ શાળાઓ શરૂ થયા બાદ 1 જુલાઈ સુધી સ્કુલો સવાર પાળીમાં ચલાવવવા માટે પણ માગણી કરી છે. સંચાલક મંડળના હોદેદારોએ જણાવ્યું છે કે વેકેશન લંબાવવાના પગલે વર્ષ દરમિયાન આવતી છૂટક 7 રજા પર કાપ મુકી શિક્ષણના દિવસો બગડતા અટકાવી શકાય તેમ છે. રાજયમાં નવા શૈક્ષણિક વર્ષથી કેન્દ્રની નવી શિક્ષણ નીતિનો અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પગલે રાજયમાં 5+3+3+4ની શૈક્ષણિક પ્રણાલી અન્વયે 5 વર્ષથી મોટા અને 6 વર્ષ પૂર્ણ થયા ન હોય તેવા બાળકોને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવશે. રાજયમાં હાલમાં ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે અને આગામી 5 જૂન, 2023થી રાજયમાં કે.જી.થી લઈને ધોરણ-12 સુધીની સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થશે.
જયારે રાજયની કોલેજોમાં 15 જૂનથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થવાનો છે. હાલમાં રાજયમાં ધોમધખતો તાપ પડી રહ્યો છે. કલાઈમેટ ચેન્જના કારણે વરસાદ પણ મોડો પડે છે અને ઉનાળું પણ મોડે સુધી રહેતું હોય છે. બીજી બાજુ જ્ઞાનસેતુ નિવાસી સ્કૂલની પસંદગી યાદી જાહેર થવાની બાકી છે, તે જાહેર થયા બાદ ધોરણ-6માં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવનાર છે. જ્ઞાન સાધના સ્કોલરશીપ પ્રાપ્ત કરનારા 25 હજાર વિદ્યાર્થીઓ માટે રાજયમાંથી શાળાઓ શોધીને તેની યાદી જાહેર કરવાની હજુ બાકી છે. જયારે ધોરણ-9માં પ્રવેશ માટે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રવેશ પરીક્ષા લેવાની બાકી છે. ગ્રાન્ટેડ શાળાઓમાં ખાલી પડેલી અંદાજે 1900 આચાર્યની જગ્યાઓ ભરવાની હજુ પણ બાકી છે, જેમાં 40 દિવસ જેટલો સમય થશે તેમ સંચાલક મંડળનું માનવું છે. આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈને 5 જૂન, 2023 સોમવારના બદલે 12 જૂન 2023 સોમવારથી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરવામાં આવે તે માટે ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળ દ્વારા રાજયના શિક્ષણમંત્રીને પત્ર લખીને રજૂઆત કરાઈ છે. સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે રજૂઆત અંગે જણાવ્યું હતું કે 30 જૂન 2023ના રોજ શુક્રવાર હોવાથી 1 જુલાઈ 2023 શનિવાર સુધી રાજયની તમામ સ્કૂલોમાં સવારે 7-45થી 10-45 સુધી 6 તાસનું શિક્ષણ કાર્ય કરાવવામાં આવે તે પ્રકારની રજૂઆત પણ કરી છે.