Sihor
વિદ્યાર્થી તથા શિક્ષકને કેન્દ્રમાં રાખી કેળવણી માટે આચાર્યની ભૂમિકા મહત્વની – શ્રી ભદ્રાયુ વછરાજાની
પવાર
સિહોરના સણોસરામાં લોકભારતી ખાતે યોજાયો પરિસંવાદ
સિહોર નજીક આવેલ લોકભારતી સણોસરા ખાતે શૈક્ષણિક વહીવટ અને કેળવણી સંદર્ભે યોજાયેલ પરિસંવાદમાં શિક્ષણવિદ્ વક્તા શ્રી ભદ્રાયુ વછરાજાનીએ વિદ્યાર્થી તથા શિક્ષકને કેન્દ્રમાં રાખી કેળવણી માટે આચાર્યની ભૂમિકા મહત્વની હોવાનું જણાવ્યું. લોકભારતી વિશ્વવિદ્યાલય સણોસરા, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભાવનગર અને ભાવનગર જિલ્લા ગ્રામ્ય/શહેર આચાર્ય સંઘના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ‘શૈક્ષણિક વહીવટ અને કેળવણી : તત્વ અને તંત્ર અભિમુખતા પરિસંવાદ’ અંતર્ગત સાંપ્રત પરિસ્થિતિ સાથે શિક્ષણ પ્રવાહ સંદર્ભે મનનીય વક્તવ્યો યોજાયા. આ પરિસંવાદમાં શિક્ષણવિદ્ વક્તા અને સંસ્થાના વડા શ્રી ભદ્રાયુ વછરાજાનીએ શિક્ષણના વિવિધ પાસાઓ સાથે આચાર્યની ભૂમિકા તથા સ્થિતિ અંગે વાત કરી. તેમણે જ્યાવ્યું કે, વિદ્યાર્થી તથા શિક્ષકને કેન્દ્રમાં રાખી કેળવણી માટે આચાર્યની ભૂમિકા મહત્વની રહેલી છે.
તેઓએ લોકભારતીના શિક્ષણ મૂલ્યોના ઉલ્લેખ સાથે આચાર્યોને પણ વિવિધ પરિસ્થિતિમાં ખુમારી રાખવા ટકોર કરી. ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતસિંહ ગોહિલની પ્રારંભિક ઉપસ્થિતિ સાથે અહી જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજય વ્યાસે શાળા સંસ્થાઓના વિવિધ પ્રશ્નોનો ઉલ્લેખ કરી તેના નિરાકરણ માટે સાથે રહેવાની વાત કરી પ્રાસંગિક ઉદ્બોધન કર્યું. આ પરિસંવાદમાં લોકભારતીના પ્રેરક વક્તા શ્રી વિશાલ ભાદાણીએ ‘૨૧મી સદીની કેળવણી માટે તૈયાર?’ વિષય પર વાત કરતા દુનિયાના બદલાયેલા પ્રવાહોની વર્તમાન પરંતુ અચંબાભરી વિગતો રજૂ કરી જેમાંના નવા પ્રવાહોમાં લોકભારતીના અભ્યાસ આયોજનોની વાત કરી. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિવિધ સન્માન અભિવાદન કરાયા હતા. અહી શ્રી સંજયભાઈ બારોટ, શ્રી ભાવિનભાઈ ભટ્ટ, શ્રી વિજયભાઈ ખટાણા, શ્રી વાઘજીભાઈ કરમટિયા, શ્રી પરેશભાઈ ત્રિવેદી, શ્રી જીતેન્દ્રસિંહ વાળા સહિત અગ્રણીઓ હોદ્દેદારોની ઉપસ્થિતિ રહી હતી.