Politics
ધાનેરા બેઠક પર ચૂંટણીનો રાજકીય ગરમાવો, માવજી દેસાઈ નોંધાવશે અપક્ષ ઉમેદવારી
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે ત્રણેય પક્ષે ઉમેદવારો જાહેર કરી દીધા છે. બીજા તબક્કાની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ જેવા મોટા પક્ષમાં જેમની ટિકિટ કપાઈ છે અથવા જેમને ટિકિટ નથી મળી એ નેતાઓ નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે અને અપક્ષ ચૂંટણી લડવાની વાત કરી રહ્યાં છે. કેટલીક બેઠકો પર ડેમેજ કંટ્રોલ કરવામાં ભાજપ સફળ રહ્યું છે. જોકે આ યાદીમાં હવે ધાનેરા બેઠક પણ ઉમેરાઈ ગઇ છે. ધાનેરા બેઠક પર રબારી સમાજના આગેવાન માવજી દેસાઈએ અપક્ષ ઉમેદવારી નોંધાવવાની વાત કરી છે.
2017માં માવજી દેસાઈનો પરાજય થયો હતો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ માવજી દેસાઈને ટિકિટ આપી હતી. જોકે તેમને કોંગ્રેસના ઉમેદવાર નાથાભાઈ પટેલ સામે 2093 મતોના માર્જીનથી પરાજય થયો હતો. ધાનેરા બેઠક પર છેલ્લા ઘણા સમયથી માવજી દેસાઈ તેમને ફરીથી ટિકિટ મળશે તેવી આશા સાથે પોતાના મત વિસ્તારમાં તૈયારીઓ શરૂ કરી દીધી હતી. પરંતુ પક્ષે તેમના સ્થાને ધાનેરા માર્કેટ યાર્ટના ચેરમેન અને કમિટીના સભ્ય ભગવાનભાઈ પટેલને ટિકિટ આપી છે. જેને લઇને નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.
ટિકિટ ન મળતા માવજી દેસાઈ નારાજ
પોતાના સ્થાને ભગવાનભાઈ પટેલને ભાજપે ટિકિટ આપતા માવજી દેસાઈ નારાજ થયા છે. સોમવારથી માવજી દેસાઈ વિવિધ સભા સ્થળો યોજી રહ્યાં છે. વાલેરમાં સોમવારે એક વિશાળ સભા યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો હાજર રહ્યાં હતા. માવજી દેસાઈ રબારી સમાજનું મોટું નામ છે અને તેમને ટિકિટ ન મળતા સમાજના અનેક લોકોમાં નારાજગી પ્રવર્તી છે. જેને લઇને જંગી સભા યોજવામાં આવી હતી અને તેમના સમર્થકો અને રબારી સમાજના આગેવાનો દ્વારા ભાજપના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો. માવજી દેસાઈએ પણ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનું આહવાન કર્યું છે અને આજે હજારો સમર્થકોની ઉપસ્થિતિમાં તેઓ ઉમેદવારીપત્ર ભરવાના છે.
ધાનેરા બેઠક પર કોની કોની વચ્ચે જંગ
ધાનરે બેઠક પર ભાજપે ભગવાનજી ચૌધરી, કોંગ્રેસે નાથાભાઈપટેલ અને આમ આદમી પાર્ટીએ સુરેશ દેવડાને ટિકિટ આપી છે. ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ન આપતા નારા રબારી સમાજના આગેવાન માવજી દેસાઈ અપક્ષ ઉમેદવારી નોંધાવવાના છે. જેને લઇને આ બેઠક પર ચૂંટણી જંગ રસાકસીભર્યો રહેવાનો છે.
બેઠકના નિર્ણાયક મતદારો
આ બેઠક પર 2022ની ચૂંટણીમાં 140270 પુરુષ મતદાતાઓ, 128503 મહિલા અને 2 અન્ય મતદાતાઓ મળી કુલ 268775 મતદાતાઓ મતદાન કરવાના છે. આ બેઠકના મતદારોની વાત કરવામાં આવે તો આ બેઠક પર ઠાકોર અને ચૌધરી મતદારોનું પ્રભુત્વ છે. 22 ટકા ઠાકોર અને 22 ટકા ચૌધરી મતદારો છે. આ ઉપરાંત 15 ટકા માલધારી અને 13 ટકા દલિત મતદારો છે.જ્યારે 17 ટકા અન્ય જ્ઞાતિના મતદાતાઓ છે.