International
પાકિસ્તાનઃ પાકિસ્તાનની પાવર સિસ્ટમ ફેલ, કરાંચી-લાહોર સહિત મોટાભાગના મોટા શહેરોમાં પાવર ફેલ
પાકિસ્તાન એક પછી એક સંકટનો સામનો કરી રહ્યું છે. પડોશી દેશ ગંભીર આર્થિક કટોકટી અને મોંઘવારીમાંથી બહાર નીકળી શક્યો નથી કે હવે તેના પર એક નવી મુશ્કેલી આવી છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં પાવર સિસ્ટમ ફેલ થઈ ગઈ છે, જેના કારણે પાકિસ્તાનના મોટા શહેરોમાં ઈસ્લામાબાદ, લાહોર અને કરાચીમાં પાવર ફેલ થઈ ગયો છે.
પાકિસ્તાનના ઉર્જા મંત્રાલયે કહ્યું છે કે સોમવારે સવારે લગભગ 7.30 વાગ્યે પાકિસ્તાનની નેશનલ ગ્રીડની સિસ્ટમ ફ્રીક્વન્સી ફેલ થઈ ગઈ હતી. જેના કારણે દેશભરમાં વીજતંત્ર પ્રભાવિત થતા વીજ ખોરવાઈ જવા પામી છે. સમારકામની કામગીરી ચાલી રહી છે. પાકિસ્તાનની મીડિયા સંસ્થાઓએ પણ કહ્યું છે કે કરાચી, લાહોરના ઘણા વિસ્તારોમાં વીજળી નથી.
કે-ઇલેક્ટ્રિકના પ્રવક્તા ઇમરાન રાણાએ તેમના ટ્વિટર પોસ્ટમાં જણાવ્યું હતું કે શહેરના કેટલાક વિસ્તારોમાં પાવર આઉટ થયાના અનેક અહેવાલો આવ્યા છે. અમે આ બાબતની તપાસ કરી રહ્યા છીએ અને તમને અપડેટ રાખીશું.
ક્વેટા ઇલેક્ટ્રિક સપ્લાય કંપની (QESCO) એ માહિતી આપી છે કે ગુડ્ડુથી ક્વેટા સુધીની બે ટ્રાન્સમિશન લાઈનમાં ખામી સર્જાઈ છે. જેના કારણે બલૂચિસ્તાનના 22 જિલ્લાઓ વીજળી વગરના છે. પાકિસ્તાને તાજેતરમાં તેની નવી ઉર્જા સંરક્ષણ યોજનાની જાહેરાત કરી છે. ગત વર્ષે ઓક્ટોબરમાં પણ પાકિસ્તાનમાં મોટા પાયે ગ્રીડ સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી, જેના કારણે પાકિસ્તાનમાં વીજળીનું મોટું સંકટ સર્જાયું હતું. આ દરમિયાન પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં લગભગ 12 કલાક સુધી વીજળી નહોતી. જણાવી દઈએ કે આ દિવસોમાં પાકિસ્તાન પણ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનનો વિદેશી હૂંડિયામણ ભંડાર ઘટીને માત્ર 4 અબજ ડોલરની આસપાસ રહ્યો છે.