Bhavnagar
ભાવનગરમાં ચીનથી આવેલા પરિવારમાં વધુ એકનો કોરોના રિપોર્ટ પોઝિટીવ
પવાર
પિતા-પુત્રી બાદ પુત્રીની માતા પણ પોઝિટીવ: ત્રણેય દર્દીઓની ઘરમાં સારવાર: તમામની સ્થિતિ સામાન્ય
ચીન સહિતના અનેક દેશોમાં ઘાતક કોરોના વાયરસનાં કેસો નોંધાઈ રહ્યા છે જેને પગલે દેશભરમાં સરકાર સાવધાની રાખવા અપીલ કરી છે. તેવા સમયે ચીનથી ભાવનગર આવેલા એક પરિવારના બે સભ્યો કોરોના સંક્રમીત થયા બાદ આ પરિવારમાં વધુ એક વ્યકિતને કોરોના પોઝિટીવ રિપોર્ટ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
તાજેતરમાં જ ભાવનગરનાં સુભાષનગરમાં ચીનથી પરત ફરેલા પિતા-પુત્રી કોરોના પોઝિટીવ જાહેર થયા હતા. બાદમાં હવે આ જ પરિવારમાં ત્રીજા વ્યકિત એટલે કે બે વર્ષની બાળકીની માતાનો રિપોર્ટ પણ પોઝિટીવ જાહેર થતા આરોગ્ય તંત્ર વધુ સચેત થયું છે. સુભાષનગરમાં નિયમીત ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સુભાષનગરમાં ચીનથી આવેલા આ ત્રણેય દર્દીઓ હાલ ઘરે જ સારવાર લઈ રહ્યા છે અને તેમની સ્થિતિ સામાન્ય છે. ભાવનગર શહેરમાં કોરોનાના ત્રણ એકટીવ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.