Sihor
છોટી કાશીના શિવાલયોમાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે હર હર મહાદેવનો નાદ ગુંજયો : ઠેર ઠેર દર્શનાર્થીઓની કતારો
દેવરાજ
શ્રાવણના પ્રથમ સોમવારે સિહોરમાં શિવાલયોમાં ગુંજયા હર…હર… મહાદેવના નાદ, ભાવિકો દ્વારા પૂજન,અર્ચન, અભિષેક, ધુન, ભજન, કિર્તન સહિતના કાર્યક્રમો
સિહોર સહીત જિલ્લામાં આજે શ્રાવણ મહિનાનાં પ્રથમ સોમવારે ભાવિકો શિવ મંદિરોના દર્શને ઉમટી પડયા છે. ભાવિકો દ્વારા પૂજન, અર્ચન, અભિષેક, ધુન, ભજન, કિર્તન સહીતના કાર્યક્રમો યોજાયા છે. પરમ પવિત્ર શ્રાવણ માસ ગુરૂવારથી પ્રારંભ થતા ભાવિકો પ્રથમ શિવપુજા માટે ઠેર-ઠેર ભગવાન શ્રી શિવજીના મંદિરોમાં શિવ ભકતોની સવારથી જ પુજન-અર્ચન-દર્શન આરતીઓ માટે પુરા માસ દરમ્યાન રાત્રી સુધી ખુબ ખુબ જ ભીડ રહે છે.
‘છોટી કાશી’ના ઉપનામથી નવાજવામાં આવે છે તેવા સિહોર શહેરમાં અનેક નાના મોટા શિવાલયો આવેલા છે, ત્યારે આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રત્યેક શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજયો હતો. વહેલી સવારથી જ ચાલુ વરસાદી વાતાવરણમાં પણ ભોળાનાથને રિઝવવા માટે અને દર્શનનો લાભ લેવા માટે શિવભક્તો કતાર બંધ જોડાયા હતા.
શહેરની મધ્યમાં આવેલા નાના મોટા પ્રત્યેક શિવાલયોમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે રુદ્રાભિષેક જલાભિષેક સહિતની પૂજા કરવા માટે શીતળ જળ, દૂધ, બિલિપત્ર, ફૂલ સહિતની પૂજા સામગ્રી સાથે દર્શનાર્થે કતાર બંધ જોડાયા હતા. અને પ્રત્યેક શિવાલયોમાં ભોળાનાથના દર્શનનો લાભ લીધો હતો, અને શિવાલયમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો.
નગરપાલિકા દ્વારા પણ શહેરના તમામ મંદિરોના આસપાસના વિસ્તારમાં સફાઈ હાથ ધરવામાં આવી હતી. જ્યારે પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાના ભાગરૂપે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ એવી રહે, અને ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે પોલીસ-હોમગાર્ડ અને સિક્યુરિટીના જવાનો બંદોબસ્તમાં જોડાયા હતા.