Bhavnagar
૨૯ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નવનિર્મિત ભાવનગર એસ.ટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરશે
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ બસ સ્ટેન્ડને આધુનિક બનાવવામાં આવી રહ્યાં છે. આ સાથે અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં એરપોર્ટ જેવાં આધુનિક બસ પોર્ટ બનાવવામાં આવ્યાં છે.
એસ. ટી. નિગમને નવીન બસ સ્ટેશનના બાંધકામ માટે ફાળવેલ સહાય થકી ભાવનગર એસ.ટી વિભાગના ભાવનગર મુકામે રૂ. ૧૧.૧૦ કરોડના ખર્ચે આર.સી..સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવીન બસ સ્ટેશનમાં બાંધવામાં આવ્યું છે.
આ નવીનતમ બસ સ્ટેશનમાં કુલ ૨૭,૪૦૪ ચોરસ મીટરનું બાંધકામ કરવામાં આવ્યું છે. જેમાં કુલ ૧૮ પ્લેટફોર્મ, ૪ સ્ટોલ ,૧૭ દુકાન, તથા મુસાફરો માટે ૧૨ યુરીનલ, ૭ શૌચાલય, ૫ બાથરૂમનું બાંધકામ પણ કરવામાં આવ્યું છે. જેમાં દિવ્યાંગ લોકો માટે અલગ પ્રકારના શૌચાલય, સ્લોપીંગ રેમ્પ તથા ફાયર સેફટીની સુવિધા ઉભી કરવામાં આવેલ છે.
આ અંગેની વિગતો આપતાં ભાવનગરના સિનિયર ડેપો મેનેજરશ્રી કે.જે. મહેતાએ જણાવ્યું કે, આ બસ સ્ટેશનમાં અગાઉના સ્ટેશન જેવી સુવિધાઓ તો છે જ. આ ઉપરાંત નવીન પ્રકારની આર્કિટેક્ચરલ ડિઝાઇન સાથે બસ સ્ટેશનને બનાવવામાં આવ્યું છે.
બસ સ્ટેશનમાં ભાવનગરના નિષ્કલંક મહાદેવ તથા અન્ય સ્થળો સાથે રાજ્યના સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના વિવિધ સ્થળોના ભાવનગરથી અંતર તથા તેને દર્શાવતાં ચિત્રો પણ લગાવવામાં આવ્યાં છે. ભાવનગરના લોકોને આ નવીન નજરાણું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તા. ૨૯ સપ્ટેમ્બરના રોજ આપવાના છે તેનો તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.
———
-સુનિલ પટેલ