Bhavnagar
નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા શરદપૂર્ણિમાના દિવસે નારાયણ ફટાકડા મોલનો ભવ્ય શુભારંભ કરાયો
નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા આજે તા. ૦૯/૧૦/૨૦૨૨, શરદપૂર્ણિમાના દિવસે ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ તથા ભાવનગર ખાતે યોજાતા નારાયણ ફટાકડા મોલનો ભવ્ય શુભારંભ કપોળ બોર્ડિંગ પાર્ટી પ્લોટ, વાઘાવાડી રોડ, ભાવનગર ખાતેથી કરવામાં આવ્યો.માનનીય કેબિનેટ શિક્ષણ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી,પરમ પૂજ્ય શ્રી શૈલેષદાદા પંડિત, ડેપ્યુટી મેયર શ્રી કુમારભાઈ શાહ તથા જાણીતા યુટ્યુબર શ્રી નિતિનભાઈ જાની (ખજૂરભાઈ)ની વિશેષ ઉપસ્થિતિ અને અન્ય આમંત્રિત મહેમાનોની હાજરીમાં દિપ પ્રાગટય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી.
સંસ્થા દ્વારા મહેમાનોના હાથે અલ્પાહાર અને ફટાકડાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ શ્રી ઉદયભાઈ દવે એ છેલ્લા આઠ વર્ષથી ચાલતી સંસ્થાની આ અવિરત પ્રવૃત્તિ માટે ટીમ નારાયણને બિરદાવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત શ્રી નિતિનભાઈ જાની (ખજૂરભાઈ) તેમજ શ્રી કુલદીપસિંહ ચુડાસમા તથા શ્રી રાજુભાઈ ઉપાધ્યાયે પ્રસંગોચિત પ્રવચનમાં સંસ્થાના પ્રમુખશ્રી ઉદયભાઈ દવે તથા નારાયણ સેવા ટ્રસ્ટના કાર્યને બિરદાવ્યું હતું.
આ ઉપરાંત સંસ્થા દ્વારા ભાવનગરની વિશેષ પ્રતિભા એવા શ્રી જીતભાઈ ત્રિવેદી તથા ક્રિષ્નાબેન ધર્મેન્દ્રભાઈ મહેતાનું તેઓના ક્ષેત્રમાં અપ્રતિમ યોગદાન બદલ નારાયણ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. દર વર્ષની માફક આ વર્ષે પણ રક્તદાન કેમ્પ સાથે આ પ્રેરક પ્રવૃત્તિની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.
અત્રે એ ઉલલેખનીય છે કે નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ભાવનગર, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે નારાયણ ફટાકડા મોલનું આયોજન કરવામાં આવે છે જેમાં રાહતદરે ફટાકડાંનું વેચાણ કરી તેમાંથી થતી આવકનો ઉપયોગ સમાજ ઉત્થાનની પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે