Bhavnagar
અંગદાન માટે 400થી વધુ લોકોના શપથ ગ્રહણ
વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે ભાવનગર મેડિકલ કોલેજ તેમજ સિદ્ધિવિનાયક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંયુક્ત ક્રમે અંગદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રેલી યોજીને અંગદાન અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. જેમાં 400થી વધુ લોકોએ અંગદાન માટે શપથ ગ્રહણ કર્યા હતા. ભાવનગર ખાતે પણ સરકારી મેડિકલ કોલેજ તેમજ સર.ટી.જનરલ હોસ્પિટલ અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે અંગદાન જાગૃતતા કાર્યક્રમ અંતર્ગત રેલી યોજાઈ હતી. ત્યારબાદ નર્સિંગ કોલેજ / સર.ટી.જનરલ હોસ્પિટલ ખાતે અંગદાનના શપથ લેવડાવવામાં આવ્યાં હતાં. આ અંગે સર ટી હોસ્પિટલના અધિક્ષક જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, માનવજીવન અમૂલ્ય છે. અંગદાન અંગે સમગ્ર દેશમાં જાગૃતિ ફેલાય તે આજના સમયની માંગ અને જરૂરીયાત છે. અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના સભ્ય જતિનભાઈ ઓઝાએ આ અંગે જણાવ્યું કે, ભાવનગર જિલ્લા અને શહેરમાં અંગદાન અંગે ધીમે-ધીમે જાગૃતિ આવી રહી છે. તાજેતરના સમયમાં 4થી 5 અંગદાન ભાવનગરમાં થયાં છે. અનેક લોકો કે જેઓ આ અવયવોના અભાવમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે તેવાં લોકોને આવાં અંગ મળતાં ફાયદો થશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવાં માટે કોલેજના વડા અમિત પરમાર, આર.એમ.ઓ. તુષારભાઇ આદેશરા, ડો ચિન્મય, ડો દેવાંગ દેસાઈ, સિદ્ધિવિનાયક ફાઉન્ડેશનના સભ્યો તેમજ જિલ્લાના કન્વીનર અશોકભાઈ ઉલવા તેમજ સર ટી. હોસ્પિટલના તબીબો અને તબીબી વિદ્યાર્થીઓ અને સ્ટાફ જોડાયો હતો.