Politics
રાષ્ટ્રીય કારોબારીમાં મોદીએ ભાજપના કાર્યકર્તાઓને અનેક શિખામણો આપી
કુવાડિયા
- મોદી આવશે અને ચૂંટણી જીતાડશે એવુ માનતા નહિં : ખુદ મોદીની ભાજપને સલાહ : કોઇપણ ફિલ્મ કે અન્ય વિષય પર વિવાદિત ટીપ્પણી કરવી નહીં : પઠાણ ફિલ્મનું નામ લીધા વગર મોદીની ભાજપના નેતાઓને સલાહ
ગઈકાલે ભાજપની રાષ્ટ્રીય કારોબારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પક્ષના નેતાઓને અનેક સલાહ આપી હતી અને ખાસ કરીને એ જણાવ્યું કે, કાર્યકર્તાઓએ પરિશ્રમ કરવો પડશે. તેમજ ચૂંટણી આવશે અને મોદી આવીને ચૂંટણી જીતાડી જશે તેવી માનસિકતામાંથી બહાર નીકળવાની જરૂર છે. તેઓએ રાજસ્થાન અને છતીસગઢનું ઉદાહરણ આપતા કહ્યું કે છેલ્લી ચૂંટણીમાં આપણે આ બે રાજયમાં વધુ પડતા આત્મ વિશ્વાસના કારણે હારી ગયા હતા અને તેનાંથી આપણે બચવુ પડશે. શ્રી મોદીએ ભાજપના નેતાઓને ખુલ્લેઆમ ફિલ્મો અને ટીવી સિરીયલો અંગે નિવેદન આપે છે તેનાથી દુર રહેવા જણાવ્યું છે.ખાસ કરીને હાલમાં જે રીતે ‘પઠાન’ ફિલ્મનો બહિષ્કાર કરવા ભાજપના અનેક નેતાઓ ખુલ્લેઆમ નિવેદન આપે છે તેના પર ટીપ્પણી કરતા કહ્યું કે તમે એક વખત બોલી જાવ અને ટીવી મીડીયામાં આવી વાતો ચાલુ રહે છે. બિનજરૂરી નિવેદનોથી બચવુ જોઈએ. શ્રી મોદીએ કહ્યું કે, ભારતના સારા દિવસો આવી રહ્યા છે. પરંતુ તેના માટે મહેનત કરવી પડશે. ખાસ કરીને મોદીએ પ્રથમ વખત પક્ષના નેતાઓને મુસ્લીમોને મળવા માટે આહવાન કર્યું હતું અને જણાવ્યું કે આ સમુદાય માટે અમર્યાદિત નિવેદનો થાય છે તે થવા ન જોઈએ. તમામ ભાષાઓ અને સંસ્કૃતિનું સન્માન કરવાનું શીખવુ જોઈએ.