Sihor

રંઘોળા ગામે વિપુલ કુહાડીયા હત્યા કેસમાં 8 આરોપીઓને આજીવન કેદ

Published

on

ગતવર્ષે સ્કુટર અથડાવવા જેવી સામાન્ય ઘટનામાં વિપુલ કુવાડિયાની થઈ હતી હત્યા, સમગ્ર ઘટના મામલે કોર્ટે 8 આરોપીઓને આજીવન કેદ

સિહોર નજીક આવેલ રંઘોળા ગામે સ્કુટર અથડાવવા જેવી સામાન્ય બાબતે યુવાન પર હુમલો કરી તેની હત્યા નીપજાવવા અંગેના કેસમાં અત્રેની ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટએ આઠ શખ્સોને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. કેસ અંગેની ઉપલબ્ધ ટૂંકી વિગતો મુજબ સિહોર નજીક આવેલ રંઘોળા ગામે રહેતા સંજયભાઈ ઉર્ફે શૈલેષ ભીખાભાઈ કુવાડીયા (ઉં.વ.૨૭)એ ઉમરાળા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ગઈ તા. ૧૫-૧૧-૨૦૨૧નાં રોજ રંઘોળા ગામે રહેતા અનિલ બોઘા સાટીયા, અશ્વીન ઉર્ફે બાલો બોઘા સાટીયા, રવી શાર્દુળ સાટીયા, વિશાલ તોગા બોળીયા, બોઘા દેસુર સાટીયા, ગોપાલ હામા ભોકળવા તેમજ ભામા જોધા ભોકળવાએ પોતાના ફઈના પુત્રનું સ્કુટર અથડાવવાના મામલે થયેલી બોલાચાલીની દાઝ રાખી પોતાના પર તેમજ વિપુલભાઈ સુરેશભાઈ કુવાડીયા (ઉં.વ.૩૦) પર તીક્ષ્ણ હથીયાર વડે હુમલો કરી જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી જેમાં વિપુલભાઈનું મોત નિપજયું હતું.આ અંગેનો કેસ અત્રેની ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ધ્રુવ મહેતાની દલીલો તેમજ લેખીત અને મૌખીક પૂરાવાઓ અને સાક્ષીઓની જૂબાની ધ્યાને લઈ ન્યાયમૂર્તિ પીરજાદાએ તમામ આઠેઙ્ખય શખ્સોને તકસીરવાન ઠરાવી આજીવન કારાવાસની સજા ફટકારી હતી.

Exit mobile version