Bhavnagar
સિહોરમાં દીપડાનો ત્રાસ યથાવત : મોડીરાત્રે ધુમડશા વિસ્તારની સોસાયટીમાં ઘૂસ્યો
પવાર
- મધ્યરાત્રીએ વિવેકાનંદ સોસાયટીમાં બકરાનું કર્યું મારણ ; વનવિભાગ અને પોલીસ દોડી ગઈ : શહેરીજનોના જીવ પડીકે બંધાવનાર ૨ દીપડાને ગઈકાલે વનવિભાગે પાંજરે પૂર્યા હતા
સિહોરના રેલવે સ્ટેશન રોડ પરના એક કોમ્પ્લેક્સમાંથી અને અન્ય એક વિસ્તારમાંથી દીપડાના બચ્ચાને વનવિભાગે પકડી બન્નેને પાંજરે પૂર્યા બાદ હજુ સુધી પકડમાં નહીં આવેલો દીપડો મધ્યરાત્રી બાદ શહેરના ધુમડશા વિસ્તારની એક સોસાયટીમાં ઘૂસ્યો હતો અને એક બકરાનું મારણ કર્યાની જાણ થતા વનવિભાગ અને પોલીસ કાફલો દોડી ગયો હતો, જોકે દીપડો હાથ લાગ્યો ન હતો. ભાવનગર જિલ્લાના સિહોરમાં છેલ્લા કેટલાક દિવસોથી શહેરી વિસ્તારમાં દીપડાએ સહપરિવાર સાથે ધામા નાખી જુદાજુદા રહેણાકી વિસ્તારો માં આંટાફેરા શરૂ કર્યા હતા પરિણામે સિહોરના રહીશોના જીવ પડીકે બંધાયા હતા તો બીજી બાજુ ચાલાક દીપડો અને તેનો પરિવાર વનવિભાગને પણ આમથી તેમ દોડાવી રહ્યો હતો ત્યારે ગઈ મોડી સાંજે રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં શિકારની શોધમાં એક કોમ્પ્લેક્સમાં આવી ચડ્યો હતો અને ધાબા પરથી પટકાતા તકની શોધમાં રહેલા વનવિભાગે આખરે દીપડાને પાંજરે પુરી લીધો હતો, આ પૂર્વે સિહોરના અન્ય એક વિસ્તારમાંથી પાંજરામાં મારણ મુકી દીપડાના બચ્ચાને પકડવામા વનવિભાગને સફળતા મળી હતી દીપડો અને તેનું બચ્ચું પાંજરે પુરાતાની સાથેજ સિહોરના રહીશોને હાશકારો થયો હતો
જોકે લોકોનો હાશકારો માત્ર અલ્પ સમયનો બની રહ્યો હતો, મોડી સાંજે સ્ટેશન રોડ અને અન્ય એક સ્થળેથી મળી ૨ દીપડા વનવિભાગના પાંજરે પુરાયાના થોડાજ કલાકોમાં વધુ એક દીપડો શહેરના ઘુમડશા વિસ્તારની વિવેકાનંદ સોસાયટીમાં મધ્યરાત્રી બાદ ઘૂસ્યો હતો અને એક બકરાનું મારણ કરતા લોકો ફફડી ઉઠ્યા હતા. કેટલાક સમયથી સિહોરમાં દીપડાએ આવી ચડ્યા બાદ શહેરી વિસ્તારમાં ધામા નાખી રહેણાકી વિસ્તારોમાં આંટાફેરા શરૂ કરી દેતા સિહોરના તમામ વિસ્તારોના રહીશોના જીવ પડીકે બંધાયા હતા, તો દીપડાને પકડવા માટે વનવિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી અને અલગ અલગ સ્થળો પર પાંજરા મુકવામાં આવ્યા હતા પરંતુ ચાલાક દીપડો અને તેનો પરિવાર પકડમાં ન આવી ઉલટું તેનો વિસ્તાર વ્યાપ વધારી નવા નવા રહેણાકી વિસ્તારોમાં શિકારની શોધમાં નીકળી પડતો હોય મોડી સાંજ બાદ લોકોએ ઘરની બહાર નીકળવાનું પણ બંધ કરી દીધું હતું. દરરોજ અલગ અલગ વિસ્તારોમાં આંટાફેરા મારતા દીપડો નહીં પકડાતા એક સમયે વનવિભાગ દ્વારા સિહોર શહેરના રહેવાશીઓ માટે ખાસ માર્ગદર્શિકા પણ પ્રસિદ્ધ કરી તેનું વિતરણ પણ કર્યું હતું, દરમ્યાનમાં વનવિભાગ દ્વારા ગઈકાલે એક બચ્ચા સહિત ૨ દિપફાને પાંજરે પૂર્યા હતા પરંતુ હજુ સુધી વનવિભાગની પકડમાં નહીં આવેલા દીપડાએ સિહોર શહેરના નવા વિસ્તારમાં પ્રવેશ કરી બકરાનું મારણ પણ કરતા લોકો ફરી એક વાર ફફડી ઉઠ્યા છે