Sihor
સિહોરના નેસડા ગામેથી બે ચોરાવ બાઇક સાથે કુલદીપ બોરીચા ઝડપાયો
પવાર
બન્ને બાઇકો ભાવનગર થી ચોર્યાની કબૂલાત, બન્ને બાઇક પોતાના ઘરે રાખી વારાફરતી વાપરતો હોવાનું ખુલાસો, બન્ને બાઇકો કબ્જે લઈ કુલદીપને સિહોર પોલીસને સોંપી દેવાયો
ભાવનગર એલસીબી તથા પેરોલ ફ્લોની ટીમે ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલી ચોક્કસ બાતમી આધારે સિહોરના નેસડા ગામ પાસેથી બે ચોરાવ બાઈક સાથે ઈસમને ઝડપી લઈ ઘોઘા રોડ તથા બોરતળાવ વિસ્તારમાં થયેલ બાઈક ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે. સમગ્ર બનાવ અંગે લોકલ ક્રાઈમબ્રાન્ચની કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર એલસીબી અને પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમ ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, સિહોર તાલુકાના નેસડા ગામ વણકરવાસ માં રહેતો કુલદીપ ધનજીભાઈ બોરીચાના રહેણાંકી મકાનના ફળિયામાં બે શંકાસ્પદ બાઇકો પડ્યા હોવાની બાતમી આધારે તે બાઈકના કાગળો-આરસી બુક તપાસ માંગતા નહીં હોવાનું જણાવ્યું હતું,
આ દરમ્યાન અટક કરેલ કુલદીપ ધનજીભાઈ બોરીચા ઉ.મ.22 રહે.રામાપીર મંદિર સામે વણકરવાસ નેસડા, સિહોર વાળાને પોલીસ મથકે લાવી સઘન પુછપરછ કરતાં બંને મોટર સાયકલ પૈકી નંબર પ્લેટ વગરનું હોન્ડા શાઇન મોટર સાયકલ બે મહિના પહેલાં ક્રેસન્ટ સર્કલ તથા હોન્ડા શાઇન મોટર સાયકલ બોરતળાવ, બાલવાટીકા પાસેથી ચોરી કરીને ઘરે રાખીને વારાફરતી વાપરતો હોવાનું જણાવ્યું હતું, આ મોટરસાઈકલની કિંમત રૂ.40,000-40,000 ગણી કુલ રૂ.80,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો, આથી ભરતનગરમાં થયેલ વાહન ચોરીનો કેસ ડિટેક્ટ કરી આરોપી મુદ્દામાલ સાથે સિહોર પોલીસને હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.