Sihor
સિહોરમાં કેટલા જર્જરિત મકાનો.? આગ લાગે ત્યારે કૂવો ખોદાશે
દેવરાજ
તંત્રના આંખ આડા કાન, જર્જરિત મકાનો જાનહાની સર્જે તેવી ભીતિ
સિહોર ; ભારે વરસાદમાં વર્ષો જૂના જર્જરિત મકાનો ગમે ત્યારે ધ્વસ્ત થઇને જાનહાની નોતરે તેમાંથી બચવા માટે નગરપાલિકા આગ લાગે ત્યારે કુવો ખોદવાની માફક ચોમાસા દરમિયાન નોટિસો ફટકારીને જવાબદારીમાંથી હાથ ઉંચા કરી નાખે છે, ખરેખર તો તેઓએ મકાનનો કાટમાળ ઉતારવો હોય તો ચાલુ ચોમાસામાં કેવી રીતે ઉતારે ? છતા તંત્ર દર વર્ષે માત્રને માત્ર કામગીરીમાં કોપી પેસ્ટની માફક નોટિસો આપીને સંતોષ માની લે છે. પરિણામે ભારે જાનહાની સર્જાય તો કોણ જવાબદાર થશે ? તે એક સવાલ ઉઠ્યો છે.
ચાલુ વર્ષ દરમિયાન ઉનાળા અને ગરમીની સીઝનમાં ચોમાસા જેવો માહોલ છે ત્યારે વરસાદની સીઝનમાં ભારે વરસાદના વરતારાની સાથે નગરપાલિકાની કસોટી થશે. સાથો સાથ જર્જરિત મકાનો જાનહાની સર્જે તે પહેલા તેને નહીં ઉતારવામાં આવે તો ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થશે. તંત્રએ અત્યાર સુધી કેટલાને નોટિસો આપી છે.? હજુ મિલકતો એવી છે કે, જે જોખમી છે. ચોમાસામાં મિલકતો ગમે ત્યારે જમીનદોસ્ત થવાની સાથે ભારે ખાનાખરાબી વ્હોરે તેવી દહેશત છે. તંત્ર માત્ર નોટિસો આપે છે, પરંતુ આવા મકાનો દુર થાય તેવી જણાતું નથી કેમ કે, દર વર્ષે ચોમાસામાં નગરપાલિકા નોટિસો કાઢે છે, દર વર્ષની માફક નોટિસ ફટકાર્યા બાદ ચોમાસામાં કોઇ મિલકત ધ્વસ્ત થશે એટલે દેકારા થશે.
શહેરના આસપાસના વિકસતા વિસ્તારોમાં જર્જરિત મકાનોનો પ્રશ્ન રહેતો નથી, પરંતુ જૂનું ગામ તળ જેવા જુના સિહોર, જૂની પાલિકા, મોટાચોક આજુબાજુ જુના વિસ્તારોમાં મકાનો વધુ જર્જરિત અને પડુ પડુ થઇ રહ્યા છે જેમા ચોમાસા દરમિયાન વધુ અકસ્માતની ભીતી રહે છે.