Gujarat
રાહુલને ગુજરાત હાઈકોર્ટનો આંચકો: સજા યથાવત
કોંગ્રેસના નેતાને હવે હાઈકોર્ટની ડિવિઝન બેંચ કે સુપ્રીમમાં જવાનો વિકલ્પ
મોદી સરનેમ માનહાની કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને થયેલી બે વર્ષની સજા સામે સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો. રાહુલને એક મોટો આંચકો આપતા હાઈકોર્ટે તેને 150 પાનાના ચૂકાદામાં અલ્લાહાબાદ હાઈકોર્ટ સહિતના અનેક ચુકાદાઓ ટાંકયા હતા અને રાહુલ ગાંધી સામે જે ફોજદારી બદનક્ષીની ફરિયાદ થઈ છે તેમાં સુરતની ટ્રાયલકોર્ટે આપેલા ચૂકાદાને યથાવત રાખતા હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતાને હાઈકોર્ટની બે ન્યાયમૂર્તિઓની ખંડપીઠ અથવા તો સુપ્રીમ કોર્ટ પાસે જવા સિવાય કોઈ વિકલ્પ નથી.
2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ કર્ણાટકમાં એક જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવીને ‘શા માટે બધા મોદી ચોર’ તેવા વિધાનો કર્યા હતા અને તેમાં તેણે નિરવ મોદી, લલિત મોદી સહિતનાને સાંકળી લીધા હતા જેની સામે સુરતના ધારાસભ્ય પુર્ણેશ મોદીએ રાહુલ ગાંધીના વિધાનથી મોદી સમાજનું અપમાન થયું છે તેવું જણાવીને જે બદનક્ષીનો દાવો દાખલ કર્યો હતો તેમાં રાહુલ ગાંધીને બે વર્ષની જેલ સજા કરવામાં આવી હતી જેની સામે સેશન્સ કોર્ટમાં કરેલી અરજી પણ ફગાવાઈ હતી. જયારે આજે ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ હેમંત પ્રચ્છક એ પોતાના 150 પાનાના ચુકાદામાં રાહુલ ગાંધીને સજા યોગ્ય અને કાનુની રીતે થઈ હોવાનું જણાવીને રાહુલ ગાંધીની અરજી ફગાવતા તેમની મુશ્કેલી વધી છે અને હવે તેઓ ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેંચ સમક્ષ જાય છે કે સુપ્રીમ કોર્ટમાં જવાનું પસંદ કરે છે તેના પર સૌની નજર છે. રાહુલ ગાંધી તરફથી ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ એડવોકેટ તરીકે હાજર હતા જયારે પુર્ણેશ મોદી તરફથી ગુજરાતના જાણીતા ધારાશાસ્ત્રી નિરૂપમ નાણાવટી પણ પહોંચ્યા હતા.