Sihor
સિહોર શહેરમાં ડો બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી : રાજમાર્ગો પર મહારેલી યોજાઈ
પવાર બુધેલીયા
શહેરના રાજમાર્ગો પર ‘જય ભીમ’નો નાદ ગુંજયો : ડો. બાબા સાહેબ આંબેડકરજીને ભાવભેર પુષ્પાંજલી : ઠેરઠેર રેલી-ભીમ વંદનાના કાર્યક્રમો
ભારતના બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની આજે 132મી જન્મજયંતી છે ત્યારે સિહોર ખાતે ડો. બાબા સાહેબની પ્રતિમા પાસે વંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જ્યાં અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.વિશ્વ વિભૂતિ-મહા માનવ ભારત રતન અને ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની આજે 132મી જન્મ જયંતી છે. દેશભરમાં લોકો ડો. બાબા સાહેબને શ્રદ્ધા સુમન અર્પણ કરી રહ્યા છે આખો દેશ આ અવસર પર ડો. બાબા સાહેબને યાદ કરી રહ્યો છે ત્યારે સિહોર સહિત જિલ્લામાં પણ વિવિધ સંસ્થાઓ દ્વારા રક્તદાન, ભીમ સંવાદ અને બંધારણ દીક્ષા , પૂષ્પાંજલી સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતીય બંધારણના ઘડવૈયા અને દલિતોના મસીહા ડો. ભીમરાવ આંબેડકરની આજે જન્મ જયંતિ હોય તેમને ભાવસભર વંદના કરવામાં આવી હતી. તેમજ આજે દિવસ દરમિયાન રેલી, ભીમ વંદના, ભીમ ભજન, બટુક ભોજન, સંતવાણીના કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા હતા સિહોરની મુખ્ય બજારમાં આવેલ તેમની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવા આજે સવારથી જ કતારો લાગી હતી. વિવિધ પક્ષ-સંગઠન અને સંસ્થાઓના આગેવાનોએ પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ સમયે ‘આંબેડકરજી અમર રહો’ અને ‘જય ભીમ’ ના નારાઓ ગુંજી ઉઠયા હતા. સંવિધાનનાં શિલ્પકાર, વંચિતોનાં પ્રેરણા સ્ત્રોત ભારત રત્ન ડો. આંબેડકર જન્મ જયંતિ દિને દલિત સમાજના વિવિધ સંગઠનો, મંડળો, યુવા ગ્રુપ દ્વારા આંબેડકરની પ્રતિમાને ફુલહાર સાથે પુષ્પાંજલી સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
આ રેલીમાં ઠેર-ઠેર સ્થળે ડો. આંબેડકરની તસ્વીરને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. રેલીમાં મોટી સંખ્યામાં ભાઈઓ, યુવાનો જોડાયા હતા. રેલી શહેરના વિવિધ માર્ગો પર પસાર થતાં ઠેર-ઠેર સ્થળે સ્વાગત સાથે પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે રેલીના વિવિધ રૂટો પર બંદોબસ્ત જાળવ્યો હતો.