Sihor
નિષ્કામ અને દાસભાવે થતાં દરેક કાર્યોમાં ભગવાનની કૃપા હોય છે : પૂ નરેશભાઈ શાસ્ત્રીજી
કુવાડિયા
સિહોરના ચિથરીયા હનુમાનજી મંદિર ખાતે ચાલતી ભાગવત સપ્તાહના છઠ્ઠા દિવસે, શ્રોતાઓ મંત્રમુગ્ધ, સંતો મહંતો ભાવિકોની વિશેષ હાજરી, નિર્માણથી નિર્વાણ સુધીની યાત્રા એટલે ભાગવત કથા : ભકિતની જરૂરીયાત યુવાનીમાં છે, વૃદ્ધાવસ્થામાં નહિં : અતિ સુખનું બીજું નામ દુઃખ અને અતિ સંપતિનું બીજુ નામ વિપતિ : પૂ નરેશભાઈ શાસ્ત્રીજી ; આજે કથા મંડપમાં શ્રોતાઓની કલ્પનાતિત હાજરી
શ્રી ચિથરીયા હનુમાનજી મંદિર દ્વારા શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન થયું છે. દરરોજની જેમ છઠ્ઠા દિવસે પણ હજારોની સંખ્યામાં ભાવિકોજનોએ કથામૃતનો લાભ લીધો હતો. પૂ. નરેશભાઈ શાસ્ત્રી કથાનું જ્ઞાનરસ વહાવી રહ્યા છે. શ્રીમદ્દ ભાગવતના પરમ ઉપાસક, લોકવાણીમાં શ્રોતાઓ સાથે સાથે સરળ સંવાદ કરતાં કથાકાર પૂ નરેશભાઈ શાસ્ત્રીજીના વ્યાસાસને તા.૨૯ના દિવસે શરૂ થયેલી ભાગવત સપ્તાહના છઠ્ઠા દિવસમાં પ્રવેશી હતી. ભાગવતકથાના વિદ્વાન વક્તા પૂ. નરેશભાઈ શાસ્ત્રીજી એ ભાગવત કથા શ્રવણ નું મહાત્મય વિગતે સમજાવ્યું હતું. શનિવારની કથામાં વ્યાસ ગાદી પરથી જણાવ્યું હતું કે ભગવાન પાસે માગો તો બીજું બીજાનું સુખ અને કલ્યાણ માગજો..બીજાના ભલામાં જ આપણું પણ ભલું રહેલું છે.. દરેક કથાનો મંડપ વર્ગખંડ હોય છે.
ગૌમાતા ના મહત્વ વિશે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે, ગૌમાતાના ગોબરમાં લક્ષ્મીજીનો વાસ છે. માણસ બે હાથની હથેળીઓ માં ગાયને ગોળ ખવડાવે તો તે માણસની ભાગ્ય રેખા ગાય માતા બદલી નાખે છે. ભગવાનના વિવિધ અવતારોની કથાઓ સંક્ષેપમાં શ્રોતાઓ સમક્ષ રજૂ કરી હતી એ પૂર્વે ભાગવત સંબંધી કેટલીક પ્રેરક વાતો કરતાં કહ્યું કે શ્રીમદ્દ ભાગવત પુરાણ માનવીના અંદરના અંધકારને નિવૃત કરે છે. કેમ કે આ ધર્મગ્રંથ જ્ઞાનપ્રદિપ્ત છે, જ્ઞાનદિપક છે. આ કથા મુકિતદાયિની છે. પ્રત્યેક વ્યકિતના પ્રત્યેક પ્રશ્નનું સમાધાન ભાગવતમાં મળે છે. શાસ્ત્રીજી એ કહ્યું કે પ્રવર્તમાન માનવી અહંકાર અને અજ્ઞાનમાં રાચે છે. જગતનું મોટામાં મોટું આશ્ચર્ય એ છે કે આપણે જાણીએ છીએ છતાં કંઈ કરતાં નથી. કંઈ ખોળી શકતા નથી!!! આપણે કથામાં બેસીએ છીએ પણ કથા આપણામાં બેસતી નથી. ”હું જાણું છું” એવા વિચાર સાથે કથામાં બેસશો તો કથા હૃદય સુધી પહોંચશે નહિં. અભિમાનથી આઘા રહો. માણસ જીંદગીભર ભેગુ જ કરે છે. ભોગવી શકતો નથી. કોઈ માનવીનું મોત જન્મની સાથે જ મોત નિશ્ચિત હોય છે. જૂના વસ્ત્રો ઉતારીને નવાં વસ્ત્રો પરિધાન કરવા તેનું નામ મૃત્યુ છે.
ભાગવત સપ્તાહનો ગઈકાલે રવિવારે છેલ્લો દિવસ
ચિથરીયા હનુમાનજી મંદિર આયોજિત ચાલી રહેલી ભાગવત સપ્તાહનો ગઈકાલે રવિવારે છેલ્લો દિવસ હતો. ભાગવત સપ્તાહ દરમિયાન રોજજે રોજ રાત્રિના સંતવાણી, લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યો હતો. કથાના સ્થળે શ્રોતાઓ માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવી રહ્યુ છે, કથાનું રસપાન કરવા અને સાંભળવા માટે સિહોર તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. ગઈકાલે કથાનો છેલ્લો દિવસ હોવાથી કથાનો લાભ લેવા ચિથરીયા હનુમાનજી મંદિર કમિટીએ ભાવિકોને અનુરોધ કર્યો હતો.
ભાગવત સપ્તાહમાં ધામધૂમપૂર્વક રૂક્ષ્મણી વિવાહની ઉજવણી
ભોજન ભક્તિ ભજનનો ત્રિવેણી સંગમ સાથે ચિથરીયા હનુમાનજી મંદિર ખાતે ચાલતી ભાગવત સપ્તાહમાં ધામધૂમ પૂર્વક રૂક્ષ્મણી વિવાહ, સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડીયુ હતું. નરેશભાઈ શાસ્ત્રીજી દ્વારા કથાનું સંગીત મયશૈલી માં અમુતપાન કરાવવામાં આવ્યું હતું. રૂક્ષ્મણી વિવાહ વગેરે પ્રસંગોની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.રોજજે સત્સંગ ભજન ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથા સમય દરમિયાન ભક્તિ, ભોજન અને ભજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે
શનિવારે રાત્રીના ભવ્ય સંતવાણી અને લોકડાયરો યોજાયો
ભાગવત સપ્તાહ દરમિયાન રોજ રાત્રીના વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું રહે છે, ગઈકાલે લોકસાહિત્ય ડાયરો તેમજ સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો, કાર્યક્રમ સંચાલન ઊર્મિવ સરવૈયા, હાસ્ય કલાકાર મહેશ ધામેલીયા, તેમજ સાગર પ્રજાપતિની ઉપસ્થિતિમાં યોજાયેલ લોકસાહિત્ય ડાયરો તેમજ સંતવાણી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રોતાગણ ઉપસ્થિત રહ્યો હતો, લોકડાયરો તેમજ સંતવાણી કાર્યક્રમમાં કલાકારોએ જમાવટ કરી દીધી હતી ભાગવત સપ્તાહ દરમિયાન છઠ્ઠા દિવસે રાત્રીના ડાકડમરુ કાર્યક્રમ યોજાશે.