Sihor

સિહોરના સણોસરા લોકભારતીના વડીલોએ પકાવેલા ફળોનો આસ્વાદ આંબલા ખાતે ભાવવંદના પરિસંવાદમાં સૌએ માણ્યો

Published

on

પવાર
કોયલના ટહુકાર અને વરસાદની ઝરમર સાથે…
વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા અને ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા દ્વારા યોજાયો ઉપક્રમ
લોકભારતી ગ્રામવિદ્યાપીઠના ઋષિઓએ પ્રબોધેલા મૂલ્યો, વર્તમાન સમયમાં તેની વિશેષ પ્રસ્તુતતા અને સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ક્રિયાન્વયન સંદર્ભે આંબલામાં ભાવવંદના પરિસંવાદ તથા સ્નેહમિલન આયોજનમાં કોયલના ટહુકાર અને વરસાદની ઝરમર સાથે કાર્યકરો અને વિદ્યાર્થીઓએ મોજ માણી. વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા બગસરા અને ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા દ્વારા યોજાયેલ ઉપક્રમમાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠના વડા શ્રી અરુણભાઈ દવેએ ટકોર કરી કે કેટલીકવાર કૃતિ કરતાં પણ તેનો વિચાર શ્રેષ્ઠ હોય છે. સંસ્થાના વિદ્યાર્થી કાર્યકર્તાઓએ હૈયાથી કરેલા કામોનો સંતોષ જણાવી જ્યાં જ્યાં આ વિદ્યાર્થીઓ છે, ત્યાં ત્યાં લોકભારતી પહોંચ્યાંનો ભાવ વ્યક્ત કર્યો. સાંપ્રત શિક્ષણ અને સમાજ પ્રવાહોમાં રહેલા કેટલાક પડકારો સામે આપણે હારવાનું નથી, થાકવાનું નથી અને તેનું પરિણામ સુંદર હોય જ છે તેમ પણ શીખ આપી. અહીંયા લોકભારતી વિશ્વવિદ્યાલયના શ્રી વિશાલ ભાદાણીએ સંસ્થાના પૂર્વસુરીઓના સ્મરણ સાથે શિક્ષણ અને સામાજિક બાબતોમાં નવા આયામો પર ભાર મૂક્યો. સર્વોદય ચિંતન સાથે તેઓએ કહ્યું કે, કોઈ ન કરે તે કામ કરવું, આત્મ પ્રેરણાથી કામ કરવું અને સેવાભાવથી કામ કરવું. પ્રકૃતિના પ્રવાહોમાં માણસે માલિક બનવાની વૃત્તિ રાખી જેમાંથી શોષણનું સર્જન થયું જે સામે સર્વોદય વિચારો જ ઉદ્ધારક છે. લોકભારતી ગ્રામવિદ્યાપીઠના શ્રી નાનાભાઈ ભટ્ટ, શ્રી મનુભાઈ પંચોળી, શ્રી નટવરલાલ બૂચ સહિતના દાદા ઋષિઓએ પ્રબોધેલા મૂલ્યો, વર્તમાન સમયમાં તેની વિશેષ પ્રસ્તુતતા અને સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ક્રિયાન્વયન સંદર્ભે આ પરિસંવાદ અંગે શ્રી પ્રવીણભાઈ ઠક્કરે પ્રાસંગિક વિગતો સાથે કહ્યું કે, આપની અભ્યાસ પ્રવૃત્તિ એ ગુરુકુળ  પ્રણાલી છે જેમાં કામના છે, વાસના નહિ. તેઓએ અંતઃકરણ અને આત્મા અંગે પણ ચિંતન આપ્યું.
Fruits cooked by the elders of Sanosara Lokbharti of Sihore were enjoyed by all at the Bhavand seminar at Ambala.
ભાવવંદના પરિસંવાદ અને સ્નેહમિલન અંગે શ્રી દેવચંદભાઈ સાવલિયાએ તેમના સહજ પ્રાસ્તાવિકમાં લોકભારતીના વડીલ ગુરુજનોની કેળવણી માત્ર ભણતરરૂપે નહિ પણ જીવનની દિશા બતાવનાર રહ્યાનું જણાવ્યું. તેઓએ તેમની વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થાની પ્રવૃત્તિ અંગે જણાવ્યું. લોકભારતી પરિવારના કાયમી એક મંચ માટે પણ અનુરોધ કર્યો. કોયલના ટહુકાર અને વરસાદની ઝરમર સાથે સણોસરા લોકભારતીના વડીલોએ પકાવેલા ફળોનો આસ્વાદ આંબલા ખાતે ભાવવંદના પરિસંવાદમાં સૌએ માણ્યો, જેમાં વિવિધ સંસ્થાઓ અને કચેરીઓમાં ઉત્કૃષ્ટ કાર્ય કરતાં પરિવારના વિદ્યાર્થી રહેલા મહાનુભાવો શ્રી ચૈતન્ય ભટ્ટ, શ્રી મુસ્તુખાન સુખ, શ્રી માવજી બારૈયા, શ્રી રવજી ગાબાણી, શ્રી રાઘવજી ડાભી, શ્રી ઋત્વિક મકવાણા, શ્રી બિંદુબા ઝાલા, શ્રી અમરસિંહ ગોહિલ તથા શ્રી વાસ્યાંગ ડાંગર દ્વારા તેમની પ્રસ્તુતિમાં લોકભારતીના શિક્ષણ મૂલ્યોને વિવિધરીતે સમાજમાં વિસ્તારી રહ્યા છે તેના સંઘર્ષમય છતાં ઉર્ઝાસભર પ્રેરક અને રસપ્રદ અહેવાલ આપ્યા. પ્રારંભે સંસ્થાના આચાર્ય શ્રી વાઘજીભાઈ કરમટિયાએ સ્વાગત ઉદ્દબોધન સાથે અહિયા થયેલા આયોજન માટે હરખ વ્યક્ત કર્યો. આ જ રીતે સંસ્થાના નિયામક શ્રી સુરશંગભાઈ ચૌહાણે આ કાર્યક્રમની મહત્તા અંગે આણંદ સાથે આભાર વ્યક્ત કરેલ. સંચાલનમાં શ્રી નરેન્દ્ર ભાઈ ધાંધલ્યા પણ સંસ્થાનો પૂરક મહિમા વર્ણવતા રહ્યા હતા. વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા બગસરા અને ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં મોજીલી પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સુંદર રાસ રજૂ થયેલ. સંસ્થાના સંગીત વૃંદ દ્વારા પણ સુંદર ભાવ ગીતો રજૂ થયેલ. આયોજન સંકલનમાં શ્રી મહેન્દ્ર પાથર તથા શ્રી ગૌરાંગ વોરા સહિત  ગ્રામદક્ષિણામૂર્તિ પરિવાર રહેલ.

 

Trending

Exit mobile version