Bhavnagar
સિહોર શહેર અને તાલુકામાં બેરોકટોક વપરાતા સિંગલ યુઝ પ્લાસ્ટિકથી પર્યાવરણને થતું નુકશાન
દેવરાજ
- તંત્ર દ્વારા કયા મુહૂર્તની રાહ જોવાય છે : જવાબદાર વેપારી સામે કડક કાર્યવાહી થાય તેવી લોક માંગ
જુલાઈથી સમગ્ર દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે સિહોર શહેર અને તાલુકમાં બેરોકટોક સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ થઈ રહ્યો છે. જેના કારણે પર્યાવરણને ગંભીર નુકશાન થઈ રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા આ કાયદાનો કડક અમલવારી કરાવવી જોઈએ તથા સિંગલ યુઝ પ્લાસ્ટિક વાપરતા ધંધાર્થીઓ સામે તંત્રએ ધાક બેસાડતી કાર્યવાહી કરવી જોઈએ. એવું લોકો ઇચ્છિ રહ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓને 2022ના અંત સુધીમાં તબક્કાવાર સંપૂર્ણપણે દૂર કરવાની અપીલના પગલે ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય દ્વારા 1 જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલી સહિતની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ મુક્યો છે.
ત્યારે સિહોર સહિત મોટાભાગના તાલુકાના મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં બેરોકટોક સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વેપારીઓ દ્વારા વેચાણ અને ઉપયોગ થઈ રહ્યો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં ખાસ કરીને ઝભલા પ્લાસ્ટિક સ્ટીક, પ્લેટ, કપ, ગ્લાસ, ચમચી, સ્ટ્રો સહિતની વસ્તુઓનો ઉપયોગ થકી પર્યાવરણને હાનિ પહોંચી રહી છે. ઉપરાંત ઉપયોગ બાદ ઉકરડામાં ફેંકી દેવાતા આવા પ્લાસ્ટિકની થેલી સહિતની વસ્તુઓ ખાવાની લ્હાયમાં આરોગતા અકાળે મોતને ભેટે છે. જેના કારણે જીવદયા પ્રેમીઓની લાગણી પણ દુભાય છે. તદ ઉપરાંત હલકી ગુણવત્તાના પ્લાસ્ટિકની અસર મનુષ્ય જીવન પર પણ થઈ રહી છે. ત્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ કાયદાનો અમલ કરીને આ કાયદાનો ઉલ્લંઘન કરનાર જવાબદાર સામે દંડાત્મક કાર્યવાહી થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે.