Bhavnagar
સિહોર શહેરમાં દીપડાના પરિવારના ડેરા તંબુ : ફોરેસ્ટ વિભાગે અલગ અલગ સ્થળોએ પાંજરા મુક્યા
બુધેલીયા
ફરી સિહોરી માતાના મંદિર આસપાસ દેખા દીધી, રાજગોર શેરી સુધી દીપડો આવ્યો હોવાની વાતે રાતભરના ઉજાગરા કરાવ્યા, ફોરેસ્ટ વિભાગે પત્રિકા બહાર પાડી, ડુંગર વિસ્તાર અને હવે રહેણાંકી વિસ્તારમાં નિવાસ બનાવી લીધુ હોય લોકોમાં ભય, શહેરના અલગ અલગ વિસ્તારોમાં દિપડાના આંટાફેરાથી લોકોમાં ભય
સિહોરમાં છેલ્લા કેટલાક દિવસથી દીપડા અને તેના પરિવારે તંબુ તાણ્યા છે અને સિહોરના રહેણાંકી વિસ્તારમાં આવી જતાં લોકોના ભયમાં વધારો થયો છે અને આ દીપડા શહેરના પાદરમાં આવી જતાં નગરજનો ઘરની બહાર નીકળતાં પણ થથરે છે. ડુંગર પર બે દીપડાના આંટાફેરાથી આ વિસ્તારના રહીશોમાં દીપડાનો ડર પેઠો છે. સિહોરના કેટલાક વિસ્તારોમાં રાત્રિના સમયે દીપડાએ દેખા દીધા હતા. બાદમાં રહેણાંકી મકાનની અગાશી પરથી પાસેના જ ડુંગરમાં દીપડા દેખાયા હતા. સિહોરમાં છેલ્લા ઘણા સમયથી દીપડાના પરિવારે સિહોરના જંગલને પોતાનું નિવાસ સ્થાન બનાવી દીધુ છે.
સિહોરમાં શહેરમાં આવેલ સિહોરી માતા આસપાસના ડુંગર પાસે દીપડા પરિવારના ધામાથી આબાલવૃદ્ધ સૌ કોઇ ભયનો અનુભવ કરી રહ્યા છે. વાલીઓ બાળકોને શાળાએ મોકલતા પણ ફફડી રહયા છે. સિહોર પંથકમાં વધતાં આંટાફેરાથી આ દીપડા કોઇ જાનહાનિ કરે તે પહેલાં આ દીપડાને પકડવા માટે ફોરેસ્ટ વિભાગ કવાયત હાથ ધરે તેવી માંગ પ્રબળ બનતી જાય છે. દિપડાને લઈ ફોરેસ્ટ વિભાગે એક પત્રિકા પણ બહાર પાડી છે તેમજ દિપડાને પકડી પાડવા અલગ અલગ વિસ્તારોમાં પાંજરા પણ મુકવામાં આવ્યા છે