Gujarat
કોંગ્રેસે છેવટે શિસ્તનો કોરડો વિંઝયો: પુર્વ ધારાસભ્ય- બે જીલ્લા પ્રમુખ સહિત 38 સસ્પેન્ડ
પવાર
- સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રાઠોડ 6 વર્ષ માટે સસ્પેન્ડ, 95 આગેવાનો સામે 71 ફરિયાદોમાંથી 18માં વધુ ચકાસણી બાદ ફેંસલો થશે : 8માં માત્ર ઠપકો : ચાર પેન્ડીંગ
વિધાનસભા ચૂંટણીમાં કારમા પરાજય પાછળ કોંગ્રેસમાં આંતરિક બળવાખોરી તથા પક્ષવિરોધી પ્રવૃતિ પણ એક કારણ ગણાવાય છે અને તેમાં પાર્ટીએ હવે શિસ્તનો કોરડો વીંઝયો છે અને પૂર્વ ધારાસભ્ય, બે જીલ્લા પ્રમુખ સહિત 38 હોદેદારો-આગેવાનોને છ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જયારે 18 આગેવાનોને રૂબરૂ તેડાવાયા બાદ નિર્ણય લેવામાં આવશે. કોંગ્રેસની હારના કારણો ચકાસવા માટે ત્રણ નેતાઓની સભ્યશોધક કમીટીએ ઉમેદવારો સાથે બે દિવસ મેરેથોન કર્યાના ગણતરીના દિવસોમાં જ શિસ્તભંગના પગલા જાહેર થવાનું સૂચક છે.
પ્રદેશ કોંગ્રેસની શિસ્ત સમીતીના કન્વીનર બાલુભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન આગેવાનો-કાર્યકરોએ પક્ષવિરોધી પ્રવૃતિ કરી હોવા વિશે 71 ફરિયાદો મળી હતી. કુલ 95 આગેવાનો-કાર્યકરો સામે રજુઆત થઈ હતી. આ ફરિયાદો ચકાસવા તથા ખરાઈ કરવા માટે પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને તેના ભાગરૂપે પ્રથમ બેઠક 5મી જાન્યુઆરી તથા બીજી બેઠક ગઈકાલે યોજવામાં આવી હતી અને તેમાં 38 હોદેદારોને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શિસ્તનો કોરડો વિંઝાયો છે તેમાં નાંદોડના પુર્વ ધારાસભ્ય પી.ડી.વસાવા ઉપરાંત સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રાઠોડ અને નર્મદાના જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેન્દ્ર વાણંદનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત 18 ફરિયાદોમાં અરજદારો તથા જેમના વિરુદ્ધ ફરિયાદ છે તેવા નેતા-આગેવાનોને રૂબરૂ બોલાવીને વાસ્તવિકતા ચકાસાયા બાદ નિર્ણય લેવાનું નકકી કરવામાં આવ્યું છે જયારે પાંચ ફરિયાદોમાં સંબંધીત જીલ્લાના કોંગ્રેસ પ્રમુખો ચર્ચાવિચારણા-સંકલન સાધીને નિર્ણય લેવામાં આવશે. આઠ ફરિયાદોમાં મોટી ગંભીરતા માલુમ ન પડતા માત્ર ઠપકો આપવામાં આવ્યો છે જયારે 11 ફરિયાદોમાં કોઈ તથ્ય માલુમ ન પડતા તે રદ કરવામાં આવી છે. ચાર ફરિયાદોમાં વધુ અભ્યાસ-ચકાસણી જરૂરી લાગી હોવાથી તેમાં નિર્ણય આગામી બેઠક પર પેન્ડીંગ રાખવામાં આવ્યો છે. બાલુભાઈ પટેલે કહ્યું કે વિધાનસભા ચૂંટણી બાદ ગત ડિસેમ્બરમાં શિસ્ત સમીતીની પુર્નરચના કરવામાં આવી હતી. બે પ્રકારના કિસ્સામાં શિસ્ત સમીતી નિર્ણય લેતી હોય છે. ચૂંટણી વખતે પક્ષ વિરોધી પ્રવૃતિ તથા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં મેન્ડેટના ભંગ વખતે મામલા શિસ્ત સમીતી સમક્ષ આવે છે. શિસ્તભંગની ફરિયાદોમાં પુરતી ચકાસણી બાદ જ નિર્ણય લેવાય છે.