Bhavnagar

નિષ્કલંક મહાદેવના દર્શનાર્થીઓ માટે પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ

Published

on

પવાર

વાર, તહેવારોમાં અને જાહેર રજામાં મીની મેળાવડો જોવા મળે છે, વિશ્રામગૃહ, શુધ્ધ પાણી, પે એન્ડ યુઝ શૌચાલય સહિતની આવશ્યક સુવિધાઓ આપવામાં તંત્રવાહકોની ઉદાસીનતા

દેવાધિદેવ મહાદેવની સાધના અને આરાધનાના મહાપર્વ પવિત્ર શ્રાવણ માસની ઉજવણીને આડે હવે ગણત્રીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાવનગરવાસીઓની અનન્ય શ્રધ્ધા અને આસ્થાના પ્રતિક સમાન સુપ્રસિધ્ધ પૌરાણિક પાંડવકાલીન નિષ્કલંક મહાદેવના દર્શનાર્થે આવતા યાત્રિકો માટે આજની તારીખે પણ આવશ્યક ગણાતી પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ સૌ કોઈને આંખે ખટકી રહ્યો છે. ભાવનગરથી ૩૦ કિ.મી. દૂર ઘોઘા તાલુકાના કોળીયાકમાં આવેલ લાખો શિવભકતો માટે શ્રધ્ધેય નિષ્કલંક મહાદેવજીના સ્થાનકમાં શ્રધ્ધાળુઓ અને સહેલાણીઓ માટે જરૂરી જણાતી પ્રાથમિક સુવિધાઓ આપવામાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને સ્થાનિક સત્તાધીશો દ્વારા અકારણ ઠાગા-ઠૈયા કરાઈ રહ્યા હોય સૌ કોઈમાં આક્રોશ ભભૂકી ઉઠયો છે.પુરૂષોત્તમ માસમાં સમુદ્ર અને તીર્થ સ્નાનનો ભારે મહિમા હોય અહિં અધિક માસના પ્રારંભથી જ સૌરાષ્ટ્રભરમાંથી બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે અને સમુદ્રસ્નાન અર્થે ઉમટી રહ્યા છે. અહિં દર શનિ,રવિ, જાહેર રજાઓ, મહાશિવરાત્રી, શ્રાવણ માસના તહેવારોમાં, ભાદરવી અમાસ, ઋુષિપાંચમ તેમજ ગણેશ વિસર્જન સહિતના તહેવારોમાં પરંપરાગત રીતે ભાતીગળ લોકમેળાઓ યોજાય છે.

Complete lack of basic facilities for the devotees of the Immaculate Mahadev

જેમાં હજજારોની સંખ્યામાં આબાલવૃધ્ધ ભાવિકો ઉમટી પડતા હોય છે તેમ છતાં પણ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ કે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આ ધર્મસ્થાનકના સર્વાંગી વિકાસ પ્રત્યે ઓરમાયુ વર્તન દાખવાઈ રહેલ છે. વર્ષોના વહાણા વીતી ગયા બાદ આ ધર્મસ્થાનક આજની તારીખે પણ અત્યંત આવશ્યક ગણાતી અનેકવિધ પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહ્યુ છે. આ સ્થળે બહારગામથી આવતા યાત્રિક ભાઈઓ તથા બહેનો માટે અલાયદા અને પ્રાથમિક સુવિધાઓથી સભર વિશ્રાંતિગૃહ, શુધ્ધ પાણી, રાત્રી રોકાણ માટે સરકારી ગેસ્ટ હાઉસ, પે એન્ડ યુઝ શૌચાલય સહિતની સુવિધાઓનો અભાવ ઉડીને આંખે વળગી રહ્યો છે. સમુદ્ર સ્નાન બાદ શરીરે લાગેલી ખારાશને દૂર કરવા માટે સાદા પાણીવાળા બાથરૂમના અભાવે યાત્રિકોને પારાવાર હેરાનગતિ વેઠવી પડે છે. એટલુ જ નહી ભાવનગરથી વાર તહેવારોમાં, શનિ રવિ દરમિયાન વિશેષ એસ.ટી. બસની સુવિધાઓ શરૂ કરાય તેવી પણ લોકમાંગ ઉઠવા પામેલ છે.

Advertisement

Exit mobile version