Sihor
ચંદ્રયાન-3 મિશન:”ચંદ્રયાન -3 મિશનના પ્રક્ષેપણનું” સિહોર જ્ઞાનમંજરી મોર્ડન સ્કૂલ ખાતે જીવંત પ્રસારણ કરાયું ; વિદ્યાર્થીઓએ ભાગ લીધો
દેવરાજ
સિહોર જ્ઞાનમંજરી મોર્ડન સ્કૂલ ખાતે આજરોજ “ચંદ્રયાન -3 મિશનના લોન્ચ”નું લાઈવ સ્ટ્રીમિંગનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકોએ કાર્યક્રમને નિહાળ્યો હતો. ભારત દેશ જયારે એક અતિ મહત્વની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યો છે તેને યાદગાર બનાવવા જ્ઞાનમંજરી મોર્ડન સ્કૂલ બાળકોને અવકાશ વિજ્ઞાન વિષે માહિતગાર કરવા “ચંદ્રયાન -3 મિશન ના લોન્ચ” નિમિત્તે સ્કૂલ ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ચંદ્રયાન-3, 14 આજ રોજ બપોરે 2:35 કલાકે, આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. ગણતરીની મિનિટોમાં પોતાના નિર્ધારિત પથ પર આગળ વધતા, દરેક ભારતીયના મન ને ગર્વ અને ખુશીની લાગણીથી ભરી દીધા હતા. ચંદ્રયાન-3 લેન્ડરને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે ચંદ્ર પર નિર્દિષ્ટ સ્થળ પર હળવાશથી ઉતરી શકે છે અને રોવરને તૈનાત કરી શકે છે, જેનો ઉદ્દેશ્ય ચંદ્રની સપાટીનું સ્થાનાંતરિત રાસાયણિક વિશ્લેષણ કરવાનો છે. આ સાથે થર્મોફિઝિકલ ગુણધર્મો, ચંદ્ર પર ધરતીકંપ, ચંદ્રની સપાટીના પ્લાઝ્મા વાતાવરણ અને ઉતરાણ સ્થળની આસપાસના વિસ્તારમાં મૂળ રચનાનો અભ્યાસ કરવાનો છે. સાથે સાથે પૃથ્વી જેવા અન્ય એક્સોપ્લેનેટ કે જ્યાં જીવન શક્ય છે તે પણ આ મિશન નો ઉદ્દેશ્ય રહેશે.