Sihor
સો વર્ષની ઉજવણી ; સિહોર એલ.ડી.મુની હાઇસ્કૂલનો બે દિવસ શતાબ્દી મહોત્સવ ઉજવાશે
પવાર
સાંસ્કૃતિક કાર્યક્રમ, વર્ગખંડ અને ફર્નિચરના દાતાઓનું સન્માન અને સ્મૃતિ ગ્રંથ વિમોચન સહિતના કાર્યક્રમ, પ્રવેશદ્વારનુ ઉદઘાટન થશે, સંતો, મહંતો આશિર્વચન આપશે, પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે
ધી સિહોર એજ્યુકેશન સોસાયટી સંચાલિત એલ.ડી.મુની હાઇસ્કૂલનો શતાબ્દી મહોત્સવ સારસ્વતેયમ તા.11-3-23ને શનિવારે તેમજ તા.12-3-23ને રવિવારે ઉજવાશે.જેમાં તા.11ને શનિવારે સવારે 9.30 કલાકે શતાબ્દી મહોત્સવ સમારોહ યોજાશે.આ કાર્યક્રમમાંસાંસદ ડૉ.ભારતીબેન શિયાળ, લક્ષ્મીદાસ દામોદરદાસ મુની પરિવારના સદસ્ય (દાતા-મુંબઇ), મહેમાનો, સિહોરના અગ્રણીઓ,અતિથિઓ, દાતાઓ, સંતો-મહંતો, વાલી અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ડૉ.ભદ્રાયુભાઇ વચ્છરાજાની ઉપસ્થિત રહેશે.
આ જ દિવસે સાંજે 4.30 કલાકથી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે તેમજ વર્ગખંડ અને ફર્નિચરના દાતાઓનું સન્માન અને સ્મૃતિ ગ્રંથ વિમોચન કાર્યક્રમ યોજાશે. તા.12/3ને રવિવારે સવારે 9.30 કલાકથી શૈક્ષણિક વિચારમંથન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાશે. જેમાં મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરશોતમભાઇ સોલંકી, દાતા અને ઉદ્યોગપતિ નવીનચંદ્ર મહેતા સહિતના દાતાઓ અને મહેમાનો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ડૉ.મનહરભાઇ ઠાકર ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને લઇને શાળા દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે.તેમજ નિરંજનમાઇ ધોળકિયા પ્રવેશદ્વારનું ઉદઘાટન થનાર છે તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાશે ત્યારે અહીં સંતો, મહંતો આશિર્વચન આપશે અને સાથે પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે