Sihor
સિહોરની મુખ્ય બજાર શાક માર્કેટમાં રેઢીયાળ પશુઓનો અડિંગો
દેવરાજ
વાહનો સામે પશુઓ આવી જતા છાશવારે ટ્રાફિક જામ
રાજ્યમાં નાના-મોટા તમામ શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ વરકી રહ્યો છે. વરસાદી સીઝનમાં જાહેર રોડ-રસ્તાઓ પર રખડતા ઢોર અડ્ડો જમાવીને બેસતા હોય છે. જેમાં સિહોર શહેરી વિસ્તારમાં રખડતા પશુઓના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શહેરની મુખ્ય બજાર શાકમાર્કેટ તરફના રસ્તા પર પશુઓના અડિંગાથી રાહદારીઓ, વાહનચાલકો તેમજ વેપારીઓને પણ પારવાર હાલાકી સહન કરી રહ્યા છે. નગરપાલિતાનું તંત્ર રખડતા ઢોરને પકડવામાં નિષ્ક્રિય સાબિત થયું છે. સિહોર શહેરમાં રખડતા પશુઓના કારણે લોકોને અકસ્માતે જીવ ગુમાવવાના કિસ્સાઓ અગાઉ પણ બની ચૂક્યા છે. શહેરના મુખ્ય માર્ગો પર દિવસે દિવસે આવા પશુઓનો વધારો થતા રાહદારીઓ તેમજ વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવા પડી રહ્યો છે.
શહેરના જાહેર રોડ પર ઝગડતા આખલાઓ રાહદારીઓને પણ અડફેટે લેતા હોય છે. રખડતા ઢોરની સમસ્યા દુર કરવા માટે તંત્રને અનેકવાર રજુઆતો કરવા છતાંયે કોઈ પગલાં લેવામાં આવતા નથી. શહેરના મુખ્ય બજાર, શાકમાર્કેટની વચ્ચે શહેરી તેમજ ગ્રામ્ય પંથકના લોકો પણ ખરીદી કરવા આવતા હોય છે. પરંતુ આ રસ્તા પર રખડતા પશુઓના અડિંગાથી અને વારંવાર પશુઓ સામસામે આવી જતા કેટલીકવાર તો લોકોમાં પણ અફરાતફરી મચી જાય છે. આ ઉપરાંત મુખ્ય બજાર સહિત આંબેડકર ચોક, સહિતના માર્ગો પર પશુઓ સામસામે આવી જાય છે. આથી રાહદારીઓ, વાહનચાલકો સહિતના લોકોને અકસ્માતનો ભોગ બનવું પડે છે. આથી આ માર્ગ પરથી રખડતા પશુઓની અવરજવર તેમજ અડીંગાઓ દૂર કરાવીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ ઊઠી છે.