Botad
ભાજપે સૌરભ પટેલને કાપતા ગઢ તુટ્યો : બોટાદમાં ટિકીટ ફાળવણીનો વિવાદ વિજય સુધી નડ્યો
પવાર
- ભાજપના ઉમેદવાર સામે શરૂઆતથી રહેલ વિરોધ પરિણામમાં પણ દેખાયો, ભાજપને પોતાના જ નડી ગયાની વ્યાપક ચર્ચા
ભાવનગરથી જુદા પડેલા બોટાદ જિલ્લામાં બોટાદ અને ગઢડા બેઠક પર ભાજપે નવા ચહેરા ઉતાર્યાં હતાં. બન્ને બેઠક પર આથી વિરોધ થવા પામેલ. જાે કે, ગઢડામાં સમય જતા શાંત પડી ગયું હતું અને ભાજપના ઉમેદવાર મહંત શંભુનાથ ટૂંડિયા મોટી લીડ સાથે વિજેતા પણ થયા છે પરંતુ બોટાદમાં ટિકીટ ફાળવણીથી શરૂ થયેલો વિવાદ વિજય સુધી નડ્યો હોય તેમ અહીં વર્ષોથી ભાજપને વફાદાર રહેલી આ બેઠક આ વખતે ગુમાવવી પડી છે અને આમ આદમી પાર્ટીના હાથમાં જઇ પડી છે. બોટાદ બેઠક પર ૧૯૯૮થી ભાજપના સૌરભ પટેલ ચૂંટાતા આવ્યા છે. વચ્ચે ૨૦૧૨માં તેમને જાેખમ જણાતા બેઠક છોડી વડોદરાની આકોટા બેઠક પરથી લડ્યા હતાં. પરંતુ ૨૦૧૭માં ફરી પાછા બોટાદ આવી અને ટિકીટ મેળવી ચૂંટણી લડ્યા હતા અને જીત પણ મેળવી હતી
પરંતુ આ વખતે ભાજપે તેમના સ્થાને ઘનશ્યામભાઇ વિરાણીને ટિકીટ આપી હતી આથી સૌરભભાઇ પટેલના સમર્થકોએ જબરજસ્ત વિરોધ નોંધાવ્યો હતો જેને શાંત કરવા પ્રદેશ સંગઠને પણ જહેમત ઉઠાવી હતી પરંતુ ગુરુવારે આવેલા પરિણામ પરથી ભાજપના ઉમેદવારને આ વિરોધ નડી ગયો હોવાનું સ્પષ્ટ થયું છે. આ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા મોટી લીડ સાથે વિજેતા થતા વર્ષોથી ભાજપના હાથમાં રહેલી આ બેઠક ગુમાવવી પડી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારે દેખાડેલા જાેર સામે પણ તર્ક-વિતર્ક થઇ રહ્યા છે. ‘ઘરકા ભેદી લંકા ઢાવે’ તે ઉક્તિ મુજબ ભાજપને પોતાના જ નડી ગયા હોવાનું જાેરશોરથી ચર્ચાઇ રહ્યું છે. આમ ટિકીટ ફાળવણીનો વિવાદ વિજય સુધી નડતા ભાજપે બોટાદ બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે સાથે આપની એન્ટ્રી થવા પામી છે.