Gujarat

ભુપેન્દ્રભાઈ પટેલ તમે પણ એક પિતા છો, જો આવું તમારા પુત્ર કે પુત્રી સાથે થાય તો કેવુ લાગે?

Published

on

આદરણીય ભુપેન્દ્રભાઈ

તમને ખબર છે, આજે રવિવારનો દિવસ રોજ કરતા ગુજરાતના યુવાનો માટે કઈક જુદો છે. ગુજરાતના નવ લાખ કરતા વધુ યુવાનોની આંખમાં આવતીકાલની એક સારી સવારનું સ્વપ્ન હતું. તેમના અઠાર લાખ માતા-પિતાના હ્રદયમાં હાંશ હવે બધુ ગોઠવાઈ જશે તેવી આશા હતી, પરંતુ સુર્ય મધ્યાહને પહોંચ્યે ત્યારે યુવાનોની આંખોમાં રહેલા સ્વપ્ન અને માતા-પિતાની આશા ઉપર પાણી ફરી વળ્યું સાચું કહું તો ગુસ્સો આવવા કરતા માઠુ વધારે લાગ્યું. હું સવારે વોકિંગમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે અસંખ્ય બાઈક સવાર યુવાનો ઘર તરફ જઈ રહ્યા હતા, કેટલાય બાઈક સવારો તો ત્રણ-ત્રણ સવારી હતા અને નિરાશા સાથે ઘર તરફ જઈ રહ્યા હતા. તેઓ ગુસ્સામાં હતા જેના કારણે બસ હવે બહુ થયું તેવી લાગણીને કારણે તેમની બાઈકની ઝડપ વધારી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું. તમે પણ પિતા છો, તમને પણ સમજાતું હશે આ વેદના કેટલી પીડાદાયક છે.

તમે સત્તામાં રહેવા  માટે ભલે દાવા કરો કે ગુજરાત સરકારે લાખો યુવાનોને નોકરી આપી, પણ વાસ્તવીકતા દાવા કરતા સાવ વિપરીત છે. તે તમારે તમારા મનને સમજાવવું પડશે, કારણ હજારો નોકરી માટે નવ લાખ યુવાનો પરીક્ષા આપે આ તો કેવી સ્થિતિ? આ બધા જ પરીક્ષાર્થી ઓછામાં ઓછું ગ્રેજયુએટ થયા હતા. જે તેમની નોકરીની લાયકાત કરતા ઘણું વધારે છે, પણ તેઓ શું કરે તેઓ ઘરમાં રહેલા પોતાના વૃધ્ધ માતા પિતાના ચહેરા ઉપરની લાચારી દુર કરવા માગતા હતા. તેમના પિતાએ તેમને શિક્ષણ આપવા માટે કાળી મજુરી કરી છે તેની તમને કલ્પના છે, કેટલાય માતા-પિતાએ ખેતરોમાં મજુરી કરી પોતાના બાળકોના શિક્ષણની ફિ ભરી હતી. તેમના પિતા કઈ કહેતા ન્હોતા, પણ તેમનો ચહેરો કહેતો કે હવે દિકરા-દીકરીને નોકરી મળે તો સારૂ. પચાસી વટાવી ચુકેલા પિતાની મનોસ્થિતિ કંઈક આવી જ હોય છે. મેં જે તકલીફો સહન કરી તેવી તકલીફો મારા સંતાનને કયારેય પડે નહીં તેવી ઈચ્છા હોવી સ્વભાવીક છે.

Bhupendrabhai Patel You are also a father, how would you feel if this happened to your son or daughter?

અને હવે અમારા ઘરમાં સારૂ થશે તેવી આશા રાખનાર પિતાના સંતાનોએ પણ સારૂ શિક્ષણ લીધા પછી નોકરી માટે પોતાની જાતને તૈયાર કરી, રાત દિવસ મહેતન કરી, આ પરીક્ષા આપનાર લાખો યુવાનો કયાંક નાની મોટી નોકરી પણ કરતા હતા. નોકરી સાથે પરીક્ષાની તૈયારી બહુ આકરી લાગતી હતી, પણ આજની આકરી જીંદગી આવતીકાલને સારી કરશે તેવી અપેક્ષાએ તેમણે પોતાની ઉંઘ અને થાકથી ઘેરાયેલી આંખોને કહ્યું તારે જાગવુ પડશે અને તેમણે ઉજાગરા વેઠીને પણ અવલ્લ થવા માટે પોતાને તૈયાર કર્યા. ગુજરાતના લાખો યુવાનો ગામડામાં રહે છે, આજે પણ સુવિધાના નામે શું છે તેની તમને ખબર છે.

સારી રીતે તૈયારી કરવા લાખો યુવાનો ચાર-પાંચની જોડીમાં મોટા શહેરોમા ગયા છે, ભાડાની ખોલી કરી રહ્યા, પ્રાઈવેટ કલાસ કર્યા, કયારેક ખાધુ અને ક્યારેક પાણી પીને સુઈ ગયા, કદાચ ભુખ કોને કહેવાય તેની તમને ખબર નહીં હોય. આ બધુ જ કરવા માટે પૈસાની પણ જરૂર હતી. કોઈકે ઉધાર લીધા તો કોઈકે દેવું કર્યું કારણ જીંદગીને એક સારી સવાર બતાડવી હતી.ભુપેન્દ્રભાઈ આ નવ લાખ યુવાનોના ઘરની સ્થિતિ થોડીક પણ સારી હોત તો ચોક્કસ તેમના માતા-પિતા તેમને નોકરી લેવાની સલાહ આપી ના હોત, પણ તેવું નથી શિક્ષણ તો મહેનત કરવાથી મળે છે, પણ નોકરી માત્ર મહેનતથી મળતી નથી. તે હવે આ વ્યવસ્થાએ સાબીત કરી આપ્યું છે. ગરીબ અને સામાન્ય હોવું જાણે ગુનો બની ગયો હોય તેવી દશા થઈ ગઈ છે.

Advertisement

Bhupendrabhai Patel You are also a father, how would you feel if this happened to your son or daughter?

પરીક્ષાનું પેપર લીક થયું, તે જાણે તમે કર્યું હોય તેમ બધા તમારા ઉપર તુટી પડયા છે. અમને ખબર છે તમે તેના દોષીત નથી, છતાં તમે રાજ્યના વડા છો. રાજ્યમાં સારૂ થાય તો તેની ક્રેડીટ તમને મળે છે. ત્યારે જ્યારે પીપર લીક થાય ત્યારે તેની જવાબદારી પણ તમારી જ છે. ભરતીમાં ભ્રષ્ટાચાર થાય નહીં તે માટે તમે પ્રમાણિક આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાય જેવા અધિકારીને જવાબદારી સોંપી દયો. પરીક્ષાની વ્યવસ્થા સંભાળનાર પોતે જ નિઃસહાય થઈ જાય આ તો કેવી વિટંબણા છે. જીંદગીમાં રિવર્સ ગીયર હોતો નથી, જે થઈ ગયું તેને સુધારવાની કુદરત બહું ઓછી તક આપે છે.

તમે રાજ્યના વડા હોવાની સાથે એક પિતા પણ છો, તમે કલ્પના કરો, તમારો પુત્ર કે પુત્રી સરકારની કોઈ નોકરી માટે પરીક્ષા આપવા જાય અને તે પરીક્ષાનું પેપર લીક થઈ જાય તો તમને અને તમારા પુત્ર કે પુત્રીને કેવી પીડા થાય. બસ એક વખત સ્વાનુભુતી કરો, તેવી જ સ્થિતિમાં અમે પણ છીએ. અમે થાકી ગયા છીએ અને લાચારી અનુભવી રહ્યા છીએ, પણ તમે તો શાસક છો, શાસક ક્યારેય લાચાર થઈ શકે નહીં, કારણ તમારા હાથમાં શાસનનો દંડ છે.

શાસન હોવું અને શાસનનો અહેસાસ થવો તેમાં અંતર છે. તમે તે સમજી શકો છો. અમને ગુજરાતી હોવાનું ગૌરવ છે, જ્યારે દેશમાં ગુજરાત મોડેલની વાત થાય છે પણ અમારૂ ગુજરાત મોડેલ આવું નથી, જ્યાં અમારા જેવા લાખો બેકારો હોય, નિઃસહાય માતા પિતા હોય અને નિરાશ ચહેરાઓ હોય… હજી પણ તમારી પાસે સમય છે. સમય હાથમાં રહેલી રેતની જેમ સરકી જઈ રહ્યો છે. પછી મોડું થઈ ગયાનો અહેસાસ તમને પણ થશે અને અમને પણ..

આપનો
મિલન કુવાડિયા

Advertisement

Exit mobile version