Bhavnagar
ભાવનગર ; વરસાદ સાધારણ રહેશે, દુકાળ નહીં આવે, હોળીની ઝાળની દિશા પરથી વરતારો થયો
પવાર
ભાવનગર સહિત સૌરાષ્ટ્રમાં અગ્નિ ખુણાથી પવન ફૂંકાયો ; આગોતરો વરસાદ સારો રહે તો આ વર્ષે વાવણી વહેલી થવા સંભવ
ભાવનગર સહિત સૌરાષ્ટ્રમાં પરંપરાગત રીતે હોળીની ઝાળ સહિતની બાબતો પરથી વરસાદ કેવો હશે તેનું પૂર્વાનુમાન થતું રહ્યું છે. હોળી પ્રગટાવાય ત્યારે તેની ઝાળ કઈ દિશામાં જાય છે એટલે કે હોલિકા દહનના દિવસ, ફાગણ સુદ પુનમના દિવસે પવનની દિશા કઈ તરફ છે તેના પરથી થતા અનુમાન મૂજબ ગઈકાલે હોળી પ્રગટાવાઈ તેમાં ઝાળ વાયુવ્ય દિશા તરફ જતી હતી અર્થાત્ પવન દક્ષિણ-પૂર્વ (અગ્નિ કોણ)થી આવતો હતો જે મૂજબ આગામી ચોમાસામાં વરસાદ સાધારણ રહેશે પરંતુ, દુષ્કાળ નહીં પડે. અગ્નિ દિશાથી પવન આવીને વાયુવ્ય દિશા તરફ જતો હતો જેના પરથી વરતારો એવો છે કે વરસાદ સાધારણ રહેશે.
મે માસમાં વહેલી વાવણી પણ સંભવ છે. વરસાદ એકધારો આવવાને બદલે કટકે કટકે આવી શકે છે. રોહિણી નક્ષત્રમાં વરસાદની, તા. 12 થી 17 મે દરમિયાન માવઠાંની શક્યતા છે, આ માવઠાંનો વરસાદ સારો હોય તો પાછોતરો વરસાદ પણ સારો પડવાની શક્યતાના પગલે કૂલ વરસાદ સારો રહી શકે છે. સૌરાષ્ટ્રમાં અખાત્રીજના પવન સહિતના અન્ય પરિબળો ઉપરથી પણ ખાસ કરીને ખેડૂતો વરસાદ કેવો રહેશે તેનુ પૂર્વાનુમાન કરતા રહ્યા છે.