Sihor
સિહોર તાલુકા પંચાયતના મહિલા TDO અને જિલ્લા પંચાયત પ્રમુખ વચ્ચે ચાલુ સભાએ બખેડો ; રાજકીય વર્તુળમાં ભારે ચર્ચા
Pvar
જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહને ચૂંટાયેલા સભ્યોએ TDO મનમાની કરતા હોવાની ફરિયાદ કરી, ભરતસિંહ જાહેરમાં ખખડાવ્યા, ચાલુ સભાએ મહિલા અધિકારી રીતસર રડી પડ્યા, અધિકારીને માઠું લાગ્યું, અને બે કલાક પોતાના ક્વાર્ટરમાં પુરાય જતા કર્મચારીઓના શ્વાસ અદ્ધર થયા, સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો
સિહોર તાલુકા પંચાયત કચેરી ખાતે આજરોજ યોજાયેલી સામાન્ય સભામાં જિલ્લા પંચાયત પ્રમુખ, અને તાલુકા પંચાયત અધિકારી રીતસર સામ-સામે આવી જતા રાજકીય વર્તુળમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે, સિહોર તાલુકા પંચાયત કચેરી ખાતે આજરોજ સામાન્ય સભા મળી હતી જે સભામાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા અનેક મુદ્દે ભારે હોહા અને હોબાળો મચાવ્યો હતો.
સભા દરમિયાન ચૂંટાયેલા સભ્યોએ મહિલા ટીડીઓ પોતાની મનમાની કરતા હોવાનો આક્ષેપો થતા સભામાં મામલો ગરમાય જવા પામ્યો હતો, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ અને મહિલા ટીડીઓ દેસાઈ બન્ને સામ-સામે આવી જતા મળેલી સભાના પ્રશ્નો એક તરફ રહી ગયા હતા અને ભરતસિંહે મહિલા ટીડીઓને જાહેરમાં તતડાવી નાખી ચાલુ સભામાં ઠપકો આપ્યો હતો.
જેના કારણે મહિલા અધિકારીને માઠું લાગ્યું હતું ચાલુ સભામાં મહિલા અધિકારી રીતસર રડી પડ્યા હતા સભા પૂર્ણ થતા તુરંત મહિલા અધિકારી સભાને છોડીને પોતાના ક્વાર્ટરમાં જતા રહ્યા હતા અને ભારે અવાજથી રડવા લાગ્યા હતા ક્વાર્ટરના તમામ દરવાજા અને બારી બારણાંઓ બંધ કરી અંદાજે બે કલાક પોતાના રૂમમાં પુરાઇ જતા કર્મચારીઓના શ્વાસ અદ્ધર થઇ ગયા હતા દરમિયાન તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓ સમજવાટ બાદ મામલો થાળે પાડ્યો છે, તાલુકા પંચાયત ખાતે મળેલી આજની સાધારણ સભા રાજકીય વર્તુળમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બની છે..