Sihor
સિહોરના પ્રગટનાથ મહાદેવનાં પટાંગણમાં ચંદ્રયાન 3ની પ્રતિકૃતિ બનાવવામાં આવી
દેવરાજ
શીર પર ચંદ્ર ધારણ કરનાર મહાદેવ અને ચંદ્રયાન 3 નો અનોખો સંગમ સિહોરમાં જોવા મળ્યો.
ભારતીય સ્પેસ એજન્સી ISROએ ચંદ્રયાન 3 ની સફળતાથી દેશને વિશ્વફલક પર સ્થાન આપવું છે, ભારત આજે અમેરિકા, રશિયા અને ચીન બાદ વિશ્વનો ચોથો દેશ બન્યો છે જે ચંદ્રની ધરતી પર પહોંચ્યો હોય, અને તેમાં પણ ચંદ્રનાં દક્ષિણ ભાગમાં પહોંચનાર ભારત પહેલો દેશ છે, ISRO એ દેશને આ સિદ્ધિ અપાવી અને બાદમાં દેશના તમામ નાગરિકોના હર્ષનો પાર નથી, જેની ઉજવણી દેશના ખૂણે ખૂણે થઈ રહી છે ત્યારે સિહોરમાં પણ અનેરો આનંદ જોવા મળ્યો હતો.
આ ઉજવણીના ભાગ રૂપે સિહોરના પ્રગટનાથ મહાદેવનાં પટાંગણમાં ચંદ્રયાન 3 ની પ્રતિકૃતિ રૂપે એક શોભા બનાવવામાં આવી છે, જેને જોવા માટે સેંકડો લોકો આવી રહ્યાં છે, પ્રગટનાથ મહાદેવની સાથે સાથે ચંદ્ર પર પહોંચનાર ચંદ્રયાન 3 ની પણ પૂજા-આરતી કરવામાં આવી હતી, પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ શ્રાવણમાં સિહોરમાં ચંદ્રમૌલેશ્વર ભગવાન શિવનાં સાનિધ્યમાં ચંદ્રયાનની પૂજા-અર્ચના થાય ત્યારે ભારતીય સંસ્કૃતિ અને તેની વિજ્ઞાન પ્રત્યેની સંવેદનશીલતાનાં દર્શન થાય તે સ્વાભાવિક છે,
જટાધારી સોમનાથ મહાદેવનાં શિરે ચંદ્ર વિરાજમાન હોય, એ જ મહાદેવનો પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોય અને આ જ શ્રાવણમાં ચંદ્રની ધરતી પર ભારત દેશ પોતાની તાકાતનો આખી દુનિયાને પ્રભાવ દેખાડતો હોય… આવા ત્રિવેણી સંગમનો ઉલ્લાસ અને આનંદની ઉજવણી સિહોરના નાગરિકો દ્વારા અનોખી રીતે થઈ છે તે ખૂબ સરાહનીય કાર્ય છે.