Sihor
સિહોરના ખાખરીયા પાસે ચાલુ કારમાં આગ લાગી ; કાર બળીને ખાખ થઇ ગઇ
પવાર – બુધેલીયા
ખાખરીયા નજીક CNG કારમાં આગ લાગી, કાર ચાલકનો આબાદ બચાવ, કારમાં આગ લાગવાના બનાવોમાં વધારો, શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન
સિહોર નજીક CNG કારમાં આગ ફાટી નીકળતા ભાગદોડનો માહોલ સર્જાયો હતો. જોકે, કાર ચાલક કારમાંથી બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સિહોરના ભાવનગર માર્ગે આજે બપોરના સમયે ખાખરીયા ગામ નજીક મુખ્ય રોડ પરથી પસાર થતી કારમાં એકાએક આગ લાગતા દોડધામ મચી હતી.
રોડની વચ્ચોવચ કાર સળગવા લાગતા નાસભાગના દૃશ્યો સર્જાયા હતા. જેના કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો. વિસ્ફોટ થશે તેવા ભયના માર્યા લોકો કારથી દૂર સલામત અંતરે ખસી ગયા હતા. ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી પરંતુ કાર બળીને ખાખ થઇ ગઇ હતી. ભાવનગર હાઇવે ખાખરીયા ગામ નજીક મુખ્ય હાઇવે પરથી પસાર થતી ચાલુ કારમાં એકાએક આગ ફાટી નીકળતા રોડ પર અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.
બાજુમાં જ પેટ્રોલપંપ હોવાથી વધુ નુકસાન થાય અને જાહેર રોડ પર આગના કારણે બીજી કોઇ મોટી સમસ્યા સર્જાય તે પહેલાં જ લોકોની સુઝબુઝથી અને ફાયરબ્રિગેડની મદદથી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ આગના કારણે રોડ પર ટ્રાફિકજામ થઇ ગયો હતો. સમયસૂચકતા વાપરીને કારમાં સવાર તમામ લોકોને સહીસલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. કાર સીએનજી હોવાથી કારમાં વિસ્ફોટ થઇ જશે, આગ મોટું રૂપ ધારણ કરી લેશે તેવા શંકાઓ વચ્ચે હાજર લોકોના જીવ અદ્ધર થઇ ગયા હતા. આગના આ બનાવમાં કોઇને ઇજા કે જાનહાની થઇ નથી. ફાયરબ્રિગેડના પ્રાથમિક અનુમાન મુજબ કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું જણાઇ આવે છે.