Bhavnagar
ભાવનગર મેડિકલ કોલેજમાં યુવકના શારીરિક શોષણ મામલે અંતે ગુનો નોંધાયો
બરફવાળા
ભાવનગર મેડિકલ કોલેજમાં શારીરિક શોષણનો મામલો સામે આવતા ચકચાર મચી ગઈ હતી. આ મામલે ભાવનગર પોલીસે પણ કાર્યવાહીમાં અત્યંત વિલંબ કરતા વિવાદ સર્જાયો હતો. ત્યારે પોલીસે બે દિવસ પહેલા આરોપી તબીબ વિરુદ્ધ અટકાયતી પગલા હેઠળ કાર્યવાહી કરી જામીન મુક્ત કરતા વિવાદ વધુ ઘેરો બન્યો હતો. એવામાં ઘટનાના 8 દિવસ બાદ આરોપી તબીબ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ભાવનગર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સાથે શારીરિક શોષણ થયાની ફરિયાદ કરી હતી. જેમાં પીડિત વિદ્યાર્થીએ આક્ષેપ લગાવ્યો હતો કે, કોલેજમાં જ અભ્યાસ કરતા તબીબએ તેને રૂમ પર બોલાવી તેનું શારીરિક શોષણ કર્યું હતું. આ મામલાની જાણ પીડિતે અન્ય વિદ્યાર્થીઓને કરતા વિદ્યાર્થીઓ પીડિતને લઈ ડીન સમક્ષ ફરિયાદ માટે પહોંચ્યા હતા. આ મામલે ડીન દ્વારા તપાસ કમિટિને તપાસ સોંપવામાં આવી હતી.
સાથે જ પોલીસ ફરિયાદની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરંતુ પોલીસ ફરિયાદ કરવા એ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચેલા વિદ્યાર્થીઓને કડવો અનૂભવ થયો હતો. પોલીસ સ્ટેશનમાં પીડિત વિદ્યાર્થીની ફરિયાદ લેવાના બદલે હાજર પી. આઈ. દ્વારા સમજાવટ કરવામાં આવી હોવાના આક્ષેપો સામે આવતા પી. આઈ. પણ વિવાદમાં સપડાયા હતા. પરંતુ આખરે હવે પોલીસે ઘટનાના 8 દિવસ બાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં IPC 377 અને 506 અંતર્ગત ગુનો નોંધી આરોપી હરીશ વેગી વિરુદ્ધ પગલા લેવાની શરૂઆત કરી છે. મળતી વિગતો મુજબ હાલ આરોપી તબીબને અટકાયત કરી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે. સાથે જ આ મામલાની તપાસ DySP ડામોરને સોંપવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે.