Gujarat
ધો.12 વિજ્ઞાનના પરિણામમાં એ-1 છાત્રો આંગળીના વેઢે સમાઇ ગયા ; છાત્રોની લાખોની ફી પાણીમાં
બરફવાળા
છેલ્લા માત્ર એક વર્ષની સરખામણીમાં સેલ્ફ ફાયનાન્સ શાળાઓ ફેઇલ : એ-1 છાત્રો આંગળીના વેઢે સમાઇ ગયા ; રાજમાર્ગો પર મોટા પ્રમાણમાં હોર્ડિંગ બોર્ડ સહિતના રસ્તે માર્કેટીંગ કરતી અનેક સ્કુલના રીઝલ્ટમાં ગાબડા ; એ-2 સહિતના ગ્રેડમાં પણ વિદ્યાર્થીઓ ઘટી ગયા : ફીવાળી સ્કુલોને માત્ર ધંધામાં રસ હોવાની ઉપસેલી છાપ ; હજારો હતાશ વાલીઓના આંસુ છલકાયા : એકંદર પરિણામ પણ ઘટયું
શિક્ષણ બોર્ડ દ્વારા ગઈકાલે જાહેર કરવામાં આવેલા ધો.12 વિજ્ઞાન પ્રવાહના પરિણામે હજારો વિદ્યાર્થીઓના આશા અરમાન ધોઇ નાંખ્યા છે. ગત વર્ષ કરતા આ વર્ષે પરિણામ ઘણુ નીચું આવવા સાથે એ-1 ગ્રેડમાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો કડાકો બોલ્યો છે. ત્યારે પરિણામના ઉત્સવો ઉજવતી, જાહેરમાં ધુમ માર્કેટીંગ કરતી અનેક શાળાઓની આબરૂ પણ ધુળધાણી થઇ ગઇ છે. છેલ્લા ઘણા વર્ષોના નહીં પરંતુ માત્ર બે વર્ષના પરિણામની સરખામણી કરવામાં આવે તો પણ એક વર્ષમાં મોટા ભાગની નામી શાળાઓ ફેઇલ સાબિત થઇ છે. 2022માં પૂરા રાજયમાં એ-1 ગ્રેડમાં 196 વિદ્યાર્થી હતા અને 2023માં 61 આવ્યા છે. 2022ના વર્ષમાં શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષાનું પરિણામ 72.02 ટકા આવ્યું હતું જે આ વર્ષે 65.58 રહ્યું છે. પાસ વિદ્યાર્થીઓની સંખ્યામાં બહુ મોટો ફર્ક ન પડયો હોય તો પણ વર્ષે લાખો રૂપિયાની ફી લેતી સંપૂર્ણ ધંધાદારી અને માર્કેટીંગ પર જીવતી શાળાઓના શિક્ષણનો પરપોટો એ કારણે ફૂટી ગયો છે કે એ-1 ગ્રેડમાં વિદ્યાર્થીઓની સંખ્યા આંગળીના વેઢે ગણાય એટલી રહી છે.
આ રીતે રાજયમાં ટોપ રેન્કમાં પહોંચનારા વિદ્યાર્થીઓની સરખામણીએ એ-2 કે બી ગ્રુપમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ વધ્યા છે. તેમની ઉજજવળ શૈક્ષણિક કારકીર્દી સામે પ્રશ્ર્નો પણ ઉભા થઇ ગયા છે. શહેરમાંથી અને બહારગામથી પણ સાયન્સમાં વર્ષે બે થી ત્રણ લાખની ફી ભરીને ભણનારા હજારો વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડથી કિલોમીટરો જેટલું અંતર રહી જતા આ શાળાઓમાં ભરેલી લાખોની ફી પણ માથે પડયાનો અનુભવ થઇ રહ્યો છે. એ-1 ગ્રેડમાં સ્થાન મળે એ વિદ્યાર્થીઓને મેડીકલ સહિતના ક્ષેત્રમાં સુવર્ણ કારકીર્દીની તક હોય છે. પરંતુ મોટા ભાગની ધંધાદારી શાળાઓને વર્ષે ફીની કેટલી આવક થઇ તેમાં જ વધુ રસ હોવાનું સાબિત થયું છે. દર વર્ષે ફી વધારા માટે સરકાર સામે કોર્ટ સુધી પણ લડતા શાળા સંચાલકોના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની કારકીર્દી સામે નબળા પરિણામ સામે સવાલ આવી ગયા છે. છેલ્લા મહિનાઓથી અમુક ખાનગી શાળાઓએ કોઇ કોમર્શિયલ પ્રોડકટ વેંચતા હોય તે રીતે જાહેર પ્રચારનો મારો ચલાવ્યો હતો. રસ્તા પર હાથી કદના હોર્ડિંગ બોર્ડ, પ્રચાર સાહિત્ય, સોશ્યલ મીડિયામાં પ્રચારથી નવા વિદ્યાર્થીઓને આકર્ષવા પ્રયાસ કર્યા છે. અમુક શાળાઓ ખાનગીમાં માર્કેટીંગ કરીને વિદ્યાર્થીઓના બુકીંગ કરે છે. તો અમુક હોસ્ટેલ સાથે વિદ્યાર્થીઓને બે વર્ષ માટે બુક કરી લે છે. સ્કુલ ઉપરાંત હોસ્ટેલ સહિતની લાખોની ફી વાલીઓ માંડ માંડ ભરે છે. પરંતુ પરિણામમાં આ વખતે મોટા ભાગની શાળાઓ તરફથી નિરાશા મળી છે.