Gujarat
ગુજરાતમાં RTE પ્રવેશ માટે 96,707 અરજીઓ, જાણો ક્યારે શરૂ થશે પ્રવેશ?
ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ હેઠળ પ્રવેશ માટેની અરજીની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. વિભાગ ટૂંક સમયમાં પ્રવેશનું સમયપત્રક જાહેર કરશે. RTE કાયદાના 25 ટકા અનામતના નિયમ હેઠળ 83,326 અનામત બેઠકો સામે, રાજ્યની ખાનગી શાળાઓમાં 96,707 અરજીઓ આવી છે.
22 એપ્રિલના રોજ સાંજે 7 વાગ્યા સુધીમાં, જ્યારે ઓનલાઈન અરજી પ્રક્રિયા બંધ હતી, ત્યારે 7,449 અરજીઓ પેન્ડિંગ હતી, જ્યારે 59,268 સ્વીકારવામાં આવી હતી. 10 એપ્રિલે અરજી પ્રક્રિયા શરૂ થયા બાદ 11,605 અરજીઓ પણ નકારી કાઢવામાં આવી હતી. ડેટા દર્શાવે છે કે 22 એપ્રિલ સુધી કુલ 18,385 અરજીઓ નકારી કાઢવામાં આવી હતી.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ રાજ્યની 9,855 ખાનગી શાળાઓમાં 83,000 થી વધુ બેઠકો અનામત છે. આમાંની મોટાભાગની શાળાઓ ગુજરાતી માધ્યમની છે. ગત વર્ષે RTE હેઠળ 71,000 થી વધુ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિભાગ દ્વારા આગામી દિવસોમાં પ્રવેશ માટેનું સમયપત્રક જાહેર કરવામાં આવશે.
અરજીની તારીખ લંબાવવાની માંગ
બીજી તરફ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસે રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને અરજી કરવાની છેલ્લી તારીખ 15 દિવસ લંબાવવાની માંગ કરી છે. યુથ કોંગ્રેસના જણાવ્યા મુજબ દર વર્ષે અરજીનો સમયગાળો 15-20 દિવસનો હતો, પરંતુ આ વર્ષે અરજીની પ્રક્રિયા માત્ર 12 દિવસ ચાલી હતી. જેના કારણે વેબસાઈટ ઘણી વખત ક્રેશ થઈ હતી. સાથે જ વાલીઓને એડમિશન માટે જરૂરી દસ્તાવેજો એકત્ર કરવામાં પણ સમય લાગ્યો હતો. પરિણામે ઘણા વાલીઓ અરજી કરી શક્યા ન હતા.
શિક્ષણ વિભાગે હેલ્પલાઈન શરૂ કરી
શિક્ષણ વિભાગને પણ પ્રવેશ સંબંધિત ફરિયાદ મળી છે. તાજેતરમાં, શિક્ષણ વિભાગે RTE કાયદા હેઠળ પ્રવેશનું વચન આપતી નકલી વેબસાઇટ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પ્રવેશ સંબંધિત કોઈપણ માહિતી માટે, વાલીઓ શિક્ષણ વિભાગની કચેરીમાંથી માહિતી મેળવી શકે છે.